મુખ્ય હાઇલાઇટ્સ:
- વંદે ભારત ટ્રેનના મુસાફરો માટે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત ટૂંક સમયમાં રંગ લાવી.
- અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ એસ.ટી. બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરાયો.
- અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
- બસ સેવા શરૂ થતાં અમરેલી શહેર અને આસપાસના મુસાફરો માટે ચિતલ રેલવે સ્ટેશન પહોંચવું બનશે સરળ.
ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત અમલમાં આવી
અમરેલીના મુસાફરોને વંદે ભારત ટ્રેનની સુવિધાનો સરળતાથી લાભ મળી રહે તે માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમ દરમિયાન ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી ખાસ બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીની આ જાહેરાત બાદ ત્વરિત કાર્યવાહી કરીને આજે અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધીની નવી બસ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.
સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે બસનું પ્રસ્થાન
આ નવી બસ સેવાના પ્રારંભ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ખાસ કરીને વંદે ભારત ટ્રેનના સમયપત્રકને ધ્યાનમાં રાખીને જ આ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી અમરેલી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો સમયસર અને વિના મુશ્કેલીએ ચિતલ રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે. આ સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક મુસાફરોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
ભાજપના આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
બસ સેવાના પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: ભાવેશ વાઘેલા
