અમરેલી જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવાના આશયથી જાફરાબાદની કપોળ મહાજન વાડી ખાતે એક ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં DySP નયના ગોરડીયાએ ખાસ ઉપસ્થિત રહી સ્થાનિક નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. આ તકે તેમણે વર્ષ 2025-26ના ગુનાહિત રજિસ્ટરોનું બારીકાઈથી નિરીક્ષણ કરી મિલકત તેમજ સ્ત્રી સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસની તત્પરતા વ્યક્ત કરી હતી. લોક દરબારમાં DySP દ્વારા વાલીઓને પોતાના સંતાનો સાથે સંવાદ વધારવા અને ‘પોક્સો’ (POCSO) જેવા ગંભીર ગુનાઓ સામે સાવચેત રહેવા અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક PI અને પોલીસ કાફલો પણ જોડાયો હતો. PI દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે અનિચ્છનીય ઘટનાની જાણ તુરંત પોલીસને કરવી જેથી ગુનાખોરીને સમયસર ડામી શકાય. આ સાથે જ DySP નયના ગોરડીયાએ વધતા જતા સાયબર ક્રાઈમ અને ટ્રાફિકની સમસ્યાઓ અંગે કડક સૂચનાઓ આપી જનતાને જાગૃત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી ઉપસ્થિતિમાં યોજાયેલા આ લોક દરબારથી જાફરાબાદ પંથકની જનતામાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની છે અને કાયદો-વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ દ્રઢ થયો છે :- બ્યુરો ચીફ રફીક ચૌહાણ
.
