નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ૧૫ મે થી ૨૦ મે દરમિયાન પાંચ દેશોના અત્યંત મહત્વના પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત વેપાર, રોકાણ, ઉર્જા અને ખાસ કરીને હાઈ-ટેક ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિશ્વના ટોચના ભાગીદારો સાથે નવા કરાર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. પીએમ મોદીના આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
યુએઈ અને નેધરલેન્ડની મુલાકાત: પીએમ મોદી પોતાના પ્રવાસની શરૂઆત યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE) થી કરશે. અબુ ધાબીમાં તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય સંબંધો અને ઉર્જા સુરક્ષા અંગે ચર્ચા કરશે. ત્યારબાદ, ૧૫ થી ૧૭ મે દરમિયાન તેઓ નેધરલેન્ડ જશે, જ્યાં ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે મુલાકાત કરી જળ વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રે સહયોગ વધારશે. નેધરલેન્ડના શાહી પરિવાર સાથેની તેમની મુલાકાત પણ રાજદ્વારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
યુરોપિયન ઉદ્યોગો અને ટેકનોલોજી પર ભાર: ૧૭ અને ૧૮ મેના રોજ સ્વીડનની મુલાકાત દરમિયાન પીએમ મોદી સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે મુલાકાત કરશે. આ તબક્કે તેઓ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે એક વિશેષ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સહભાગી થશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમીકન્ડક્ટર ઉત્પાદન અને સુરક્ષિત સપ્લાય ચેઈન ઉભી કરવાનો છે. ભારત અત્યારે વિશ્વમાં સેમીકન્ડક્ટર હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે, ત્યારે સ્વીડન જેવી ટેક-સજ્જ અર્થવ્યવસ્થા સાથેનો સહયોગ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ઈન્ડિયા-નોર્ડિક સમિટ અને સંરક્ષણ વ્યૂહનીતિ: પ્રવાસના અંતિમ ચરણમાં ૧૯ મેના રોજ પીએમ મોદી નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચશે. અહીં તેઓ ત્રીજી ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ’માં ભાગ લેશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ભારત પર્યાવરણ, સંરક્ષણ અને નવીન સંશોધનો પર ચર્ચા કરશે. નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાર સ્ટોર સાથેની મંત્રણા પ્રાદેશિક સુરક્ષા અને આર્કટિક ક્ષેત્રમાં ભારતના હિતો માટે અત્યંત નિર્ણાયક બની રહેશે. પીએમ મોદીનો આ પ્રવાસ ભારતને ગ્લોબલ ઇનોવેશન મેપ પર મજબૂતીથી સ્થાપિત કરશે.
