અમરેલી:
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વન્યજીવોના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં વધુ એક માસૂમ સિંહબાળનું ભોગ લેવાતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજુલાના દાતરડી ગામ પાસે માર્ગ ઓળંગતી વખતે માત્ર એક વર્ષના સિંહબાળને એક બેફામ ગતિએ આવતા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સિંહબાળે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા જ વનવિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
વનવિભાગે આ મામલે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ જવાબદાર વાહનચાલકને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલ વાહનચાલક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ અનેક સિંહો અને દીપડાઓ વાહન અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને વન્યજીવોની સુરક્ષામાં જોવા મળતી કચાસને કારણે હવે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ગીરના સાવજોની સુરક્ષા માત્ર કાગળ પર જ સીમિત રહી જશે? સ્થાનિકો અને સિંહપ્રેમીઓ દ્વારા હાઈવે પર સ્પીડ લિમિટના કડક અમલ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ તેજ બની છે.
![]()
બ્યુરો ચીફ રફીક ચૌહાણ

બ્યુરો ચીફ રફીક ચૌહાણ