મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલ્વે સુવિધાની માગ સાથે ધારી પત્રકાર સંઘ અને બ્રોડગેજ કમિટી મેદાનમાં.
- સોમવારે કલેક્ટર કચેરી અને સાંસદ કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી વહેલી તકે મંજૂરી આપવા રજૂઆત કરાઈ.
- વરિષ્ઠ રાજકીય અગ્રણી ડૉ. કાનાબાર સાથે મુલાકાત કરી રેલ્વે પ્રશ્ને કરાઈ ગંભીર ચર્ચા.
- આગામી સપ્તાહમાં ધારી અને વિસાવદર ખાતે જંગી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાની જાહેરાત.
રાજકમલ ચોક ખાતેથી શિસ્તબદ્ધ રજૂઆતનું આયોજન
અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલ્વે સુવિધા ઝડપથી શરૂ કરવાની ન્યાયી માગણી સાથે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમિટી અને જાગૃત નાગરિકો દ્વારા એક બિનરાજકીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે ૩ ઓગસ્ટ ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજકમલ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પ્રથમ ડૉ. જીવરાજ મહેતાની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ શિસ્તબદ્ધ રીતે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કર્યું હતું.
રેલ્વે મંત્રીને ઉદ્દેશીને કલેક્ટર અને સાંસદ કાર્યાલય ખાતે રજૂઆત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઉદ્દેશીને લખવામાં આવેલું આવેદનપત્ર પ્રતિનિધિ મંડળ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું, જેમાં મૌખિક અને લેખિતમાં વિગતવાર બાબતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિનિધિ મંડળ રજૂઆત માટે સાંસદ કાર્યાલય ખાતે પહોંચ્યું હતું, જ્યાં સાંસદ ભરતભાઈ સુતરીયાની ગેરહાજરીમાં તેમના પીએને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના વરિષ્ઠ આગેવાન ડૉ. કાનાબાર સાથે વિશેષ મુલાકાત કરીને આ રેલ્વે લાઈન વહેલામાં વહેલી તકે મંજૂર થાય તે માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ધારી અને વિસાવદર ખાતે યોજાશે ભવ્ય રેલી
સમગ્ર દેશના મોટાભાગના વિસ્તારોમાં બ્રોડગેજ સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે, ત્યારે અમરેલી જિલ્લાના ધારી, ચલાલા અને વિસાવદર જેવા વિસ્તારો સાથે થઈ રહેલા અન્યાય સામે લોકોમાં ભારે રોષ છે. ધારી પત્રકાર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ લોકચળવળને વધુ મજબૂત બનાવવા માટે આગામી સપ્તાહમાં ધારીના તાલુકા પંચાયત ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
