મુખ્ય હાઇલાઇટ્સ:
- બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીનું ૯૩ વર્ષની વયે રાજકોટ આગમન.
- ગોંડલ ચોકડીથી ૫૦થી વધુ બાઈકની રેલી સાથે પૂજ્ય ડોક્ટર સ્વામીને મંદિર સુધી કરાયા એસ્કોર્ટ.
- સંતો, હરિભક્તો, યુવકો અને બાળકો દ્વારા પુષ્પવર્ષા અને હારતોરાથી ભવ્ય સ્વાગત.
- રાજકોટ મંદિરે ૨૧ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી ૯ દિવસીય સત્સંગ અને કથા પારાયણ યોજાશે.
રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પૂજ્ય ડોક્ટર સ્વામીનું આગમન
બીએપીએસ (BAPS) સંસ્થાના વરિષ્ઠ સદગુરુસ્વર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામી ૯૩ વર્ષની જૈફ વયે પણ વિચરતી ભક્તિનો આદર્શ પૂરો પાડતાં સતત વિચરણ કરી રહ્યા છે. તા. ૨૧ ઓગસ્ટના રોજ સવારે ૮:૩૦ કલાકે રાજકોટના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેમનું પધારામણ થતાં સમગ્ર મંદિર પરિસરમાં હરિભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. સંતો, હરિભક્તો, યુવકો તથા બાળકોએ એકત્રિત થઈ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
બાઈક રેલી અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત
પૂજ્ય ડોક્ટર સ્વામીના આગમનને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના પ્રવેશદ્વાર ગોંડલ ચોકડીથી ૫૦થી વધુ બાઈક પર બીએપીએસના ધ્વજ સાથે સજ્જ યુવાનો પૂજ્ય ડોક્ટર સ્વામીની કારને એસ્કોર્ટ કરીને કાલાવડ રોડ સ્થિત મંદિર સુધી લાવ્યા હતા. મંદિરે પહોંચતાં જ નાના બાળકો અને યુવકોએ પુષ્પવર્ષા કરીને હર્ષનાદ સાથે સ્વાગત કર્યું હતું.
પ્રસાદિક પુષ્પહાર અને સન્માન કાર્યક્રમ
મંદિર પરિસરમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પૂજ્ય ડોક્ટર સ્વામીને પ્રસાદિક પુષ્પહાર પહેરાવીને સ્વાગત-અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી કથા પારાયણમાં સર્વે હરિભક્તો વતી વિવિધ મહાનુભાવોએ હારતોરા અર્પણ કરી પૂજ્ય ડોક્ટર સ્વામીનું ભાવપૂજન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ડોક્ટર સ્વામીએ ઉપસ્થિત તમામ સંતો, યુવકો અને બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
૯ દિવસ સુધી રાજકોટમાં વહેશે સત્સંગની ગંગા
રાજકોટ ખાતે તા. ૨૧ ઓગસ્ટથી તા. ૨૯ ઓગસ્ટ સુધી એટલે કે કુલ ૯ દિવસના રોકાણ દરમિયાન પૂજ્ય ડોક્ટર સ્વામી સત્સંગ અને આશીર્વચનનો લાભ આપશે. આ દિવસો દરમિયાન યોજાનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સત્સંગ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
