મુખ્ય હાઇલાઇટ્સ:
- ખાંભા તાલુકાના રબારીકા અને પચપચીયા ગામે થયેલી બંધ મકાનોની ઘરફોડ ચોરીઓનો અમરેલી એલસીબીએ કર્યો પર્દાફાશ.
- રોકડ, સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. ૧,૯૧,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત.
- આરોપી ભનુભાઈ જોળીયા અને પરેશભાઈ ગોહિલની અટકાયત; ભાવનગરના હિંમત ગોહિલને પકડવા તજવીજ.
- એલસીબી પીઆઈ સી. પી. વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે હાથ ધરી સફળ કામગીરી.
રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીનો દરોડો
ભાવનગર રેન્જ આઈજીપી આર. વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં બનેલા અણઉકેલાયેલા મિલકત સબંધી ગુનાઓ ઉકેલવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી. પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે સઘન પેટ્રોલીંગ અને સોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી. બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસે બે શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં ખાંભા પંથકની બે ઘરફોડ ચોરીઓની કબૂલાત
પોલીસની કડક પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપી ભનુભાઈ જોધાભાઈ જોળીયા (ઉંમર વર્ષ ૩૨, રહે. પચપચીયા, ખાંભા) અને પરેશભાઈ કિશોરભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૩૫, રહે. પચપચીયા, હાલ રહે. ધોકડવા, ગીર ગઢડા) એ ચોંકાવનારી કબૂલાત આપી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે પોતાના અન્ય એક સાગરીત હિંમતભાઈ બાલાભાઈ ગોહિલ (રહે. ભાવનગર) સાથે મળીને અઢી મહિના પહેલા રબારીકા ગામે ચાર મકાનોમાંથી દાગીના, રોકડ અને તેલના ડબ્બાની ચોરી કરી હતી. આ ઉપરાંત, તાજેતરમાં ૨૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ પચપચીયા ગામે ગોરધનભાઈ પીપલીયાના ઘરમાંથી રોકડા રૂ. ૧ લાખ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
રૂ. ૧.૯૧ લાખનો મુદ્દામાલ સીઝ, ત્રીજા આરોપીની શોધખોળ શરૂ
અમરેલી એલસીબી ટીમે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧,૦૦,૦૦૦, સોનાનો ચેઈન, સોનાના બટન, ચાંદીનો કંદોરો, વાઈટ મેટલના છડા, ૩ નંગ મોબાઈલ ફોન તેમજ ચોરીમાં વપરાયેલા બે મોટરસાયકલ મળીને કુલ રૂ. ૧,૯૧,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીથી ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના બે ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે. પોલીસે પકડવાના બાકી રહેલા ભાવનગરના હિંમત ગોહિલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ: અલીભાઈ ઝાંખરા
