મુખ્ય હાઇલાઇટ્સ:
- સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ભરાયા વરસાદી પાણી.
- વહીવટી તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખૂલી, કચેરીના પ્રાંગણમાં જ તળાવ જેવી સ્થિતિ.
- દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારો, સરપંચો અને પદાધિકારીઓને ભારે હાલાકી.
- કચેરીમાં પ્રવેશવા માટે નાગરિકોને ગંદા પાણીમાંથી પસાર થવાની લાચાર ફરજ.
- તંત્ર સામે રોષ ફેલાયો કે જ્યાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું હોય ત્યાં જ સમસ્યા સર્જાતા પ્રજા જાય ક્યાં?
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત કચેરીની બહાર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર અને પ્રાંગણ પાસે જ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કામ અર્થે આવતા અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જનસૂખાકારીની જવાબદારી સંભાળતી સરકારી કચેરીમાં જ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળતા, તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રી-મોનસૂનની કામગીરી માત્ર કાગળ પર અને ચોપડા પૂરતી જ સીમિત રહી હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લીંબડી તાલુકા પંચાયત કચેરીની બરાબર આગળના રસ્તા અને પ્રાંગણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી નાની-મોટી તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે તાલુકા પંચાયત કચેરીમાં પોતાના અંગત અથવા વિકાસલક્ષી કામે આવતા અરજદારો, ગામડાના સરપંચો, પદાધિકારીઓ અને સામાન્ય નાગરિકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. સ્થિતિ એવી છે કે કચેરીની અંદર પ્રવેશ મેળવવા માટે પણ મુલાકાતીઓએ પ્રાંગણમાં ભરાયેલા આ ગંદા પાણી અને કાદવમાંથી પસાર થવું પડી રહ્યું છે.
આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સૌથી મોટી વિડંબણા એ છે કે જે સરકારી કચેરી સમગ્ર તાલુકાની જનસૂખાકારી અને પ્રજાકીય સમસ્યાઓના નિરાકરણની મુખ્ય જવાબદારી સંભાળે છે, તે જ કચેરીના પોતાના પ્રાંગણમાં પાણીના નિકાલ માટે કોઈ જ સંતોષકારક વ્યવસ્થા નથી. તંત્ર દ્વારા આ અંગે સમયસર કોઈ જ કામગીરી ન કરાતા લોકોમાં એવો સૂર ઉઠ્યો છે કે, “જ્યાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું હોય ત્યાં જ જો મુખ્ય સમસ્યા ઊભી હોય તો નાગરિકો પોતાની દાદ લઈને જાય ક્યાં?”
સ્થાનિકો અને આગેવાનો દ્વારા લીંબડી નગરપાલિકા તેમજ તાલુકા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને પ્રી-મોનસૂન કામગીરીમાં થયેલી બેદરકારીની તપાસ કરી કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં અરજદારોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
