મુખ્ય હાઇલાઇટ્સ:
- સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ૩ વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપી પકડાયો.
- અમરેલી એલસીબી પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે રાજસ્થાનના ફલોદી ખાતેથી દબોચ્યો.
- પકડાયેલ આરોપી અયુબ કલર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપાયો.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ સફળ કામગીરી.
ફરાર આરોપીઓને દબોચવા અમરેલી એલસીબી પોલીસની આકરી કાર્યવાહી
ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર. વી. અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરીને નાસતા-ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા અમરેલી ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.
ગુપ્ત બાતમી અને ટેકનિકલ મદદથી રાજસ્થાનથી આરોપીની ધરપકડ
આ કામગીરી દરમિયાન અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી. પી. વાઘેલાની રાહબરી હેઠળ એલસીબી ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૨ ના વર્ષમાં નોંધાયેલા ચોરીના ગુનામાં કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપી અંગે ચોક્કસ બાતમી મેળવી હતી. બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે એલસીબી ટીમે રાજસ્થાન રાજ્યમાં દરોડો પાડીને ૪૫ વર્ષીય આરોપી અયુબ નૂરદીન ઉર્ફે નુરખાન કલર (રહે. હિંડાલ ગોલ, કબ્રસ્તાન પાસે, જિલ્લો ફલોદી, રાજસ્થાન) ને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.
આગળની કાનૂની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપાયો
રાજસ્થાનથી ઝડપાયેલા આ લીસ્ટેડ આરોપીને અમરેલી એલસીબીની ટીમે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે. આ સફળ કામગીરી અમરેલી એલસીબી પી.આઈ. સી. પી. વાઘેલા, પીએસઆઈ એમ. ડી. ગોહિલ, પીએસઆઈ જે. ડી. વાઘેલા તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
