મુખ્ય હાઇલાઇટ્સ:
- ૩૦,૦૦૦ જેટલા મેન્યુઅલ રેકોર્ડ ગુમ થતાં અરજદારોના કામો અટવાયા, આરટીઓ અધિકારી જવાબદારીથી ભાગતા હોવાનો આરોપ.
- સમગ્ર રાજ્યમાં અમરેલી આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન ટ્રાન્સફરની મહત્તમ કામગીરી પેન્ડિંગ.
- ચેમ્બરમાં ચશ્મા, ટોપી કે બેલ્ટ કાઢીને આવવાની કડક શરતો અને ગેરવર્તણૂકથી ભયનું વાતાવરણ ઊભું કરાયાનો આક્ષેપ.
- લોકપ્રતિનિધિઓ અને કલેક્ટરની આકરી સૂચનાઓ છતાં વલણ ન બદલાતાં જનઆંદોલનની ઉચ્ચારાતી ચીમકી.
ગુમ થયેલા રેકોર્ડ્સ અને ફેસલેસ સેવાઓમાં ભારે ધાંધિયા
અમરેલી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ના અધિકારી કલસરિયા સાહેબના મનસ્વી વહિવટ અને ગેરવર્તન સામે સ્થાનિક અરજદારો અને નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, અમરેલી આરટીઓ કચેરીના અગાઉના આશરે ૩૦,૦૦૦ જેટલા મહત્વપૂર્ણ મેન્યુઅલ રેકોર્ડ હાલ મિશિંગ (ગુમ) છે. સરકારી ચોપડે રેકોર્ડ સાચવવાની પ્રાથમિક ફરજ હોવા છતાં જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે, જેના કારણે અરજદારોને રોજબરોજ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતની અન્ય તમામ આરટીઓ કચેરીઓની સરખામણીએ અમરેલીમાં ફેસલેસ ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન ટ્રાન્સફરની કામગીરી સૌથી વધુ પેન્ડિંગ પડી હોવાનું સામે આવ્યું છે.
અરજદારો સાથે દુર્વ્યવહાર, ભ્રષ્ટાચાર અને દબંગાઈના આક્ષેપો
અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આધાર સાથે મોબાઈલ નંબર અપડેટ ન થવા જેવી તાંત્રિક ખામીઓના કારણે અરજદારે ફરજિયાત કચેરીએ આવવું પડે છે, ત્યારે અધિકારી દ્વારા તેમની સાથે અત્યંત ખરાબ વર્તન કરવામાં આવે છે. જો કામ સહેલાઈથી કરાવવું હોય તો સરકારી ફી ઉપરાંત વધારાની રકમ ભ્રષ્ટાચાર રૂપે ચૂકવવી પડતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અધિકારીની ચેમ્બરમાં રજૂઆત કરવા જતા નાગરિકો સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરી ચશ્મા, ટોપી, મોબાઈલ કે બેલ્ટ બહાર મુકાવી સરમુખત્યારશાહી ચલાવવામાં આવે છે. ભૂતકાળમાં સામાજિક અગ્રણી અને પત્રકાર સામે પણ એફઆઈઆર નોંધાવીને ભયનો માહોલ ઊભો કરાયો હોવાના અને ચેમ્બરમાં આવતા લોકોને ધમકીઓ અપાતી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે.
જનપ્રતિનિધિઓની સૂચનાઓ બેઅસર, આંદોલનની ચીમકી
આ મનસ્વી વહિવટ અંગે સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો થઈ ચૂકી છે તેમજ માસિક સંકલન સમિતિની બેઠકોમાં કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આરટીઓ અધિકારીના વલણમાં કોઈ સુધાર આવ્યો નથી. અધિકારી દ્વારા જાહેરમા બદલી કરાવી લેવાની ખુલ્લી ચ પડકાર ફેંકવામાં આવતો હોવાથી લોકોમાં વહીવટી તંત્ર પ્રતી અસંતોષ વ્યાપ્યો છે. જો આરટીઓ અધિકારી પોતાનું વર્તન નહીં સુધારે અને અરજદારોની હેરાનગતિ બંધ નહીં કરે તો અમરેલી જિલ્લાના તમામ વેપારીઓ, ખેડૂતો અને આમ જનતા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી
