મુખ્ય હાઇલાઇટ્સ:
વિઠ્ઠલપુર (ખ) ગામનો સ્ટેટ રોડ અત્યંત જર્જરિત હાલતમાં.
રોડ તૂટી જવાથી લોખંડના સળિયા બહાર આવ્યા.
ચોમાસામાં પાણી ભરાતા સળિયા ન દેખાતા અકસ્માતનો ભય.
વાહનચાલકોને નુકસાન અને રાહદારીઓને ભારે મુશ્કેલી.
તા. ૩૦ જૂન, ૨૦૨૬થી રજૂઆત છતાં કાર્યવાહી નહીં.
અગાઉ પણ રોડની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતો સર્જાયા હતા.
ગ્રામજનોએ તંત્રને ૭ દિવસમાં કામગીરી કરવાની ચેતવણી આપી.
સમયસર કામગીરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની જાહેરાત.
અમરેલી
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં ધીરુભાઈ ગોટીના ઘરથી પ્રાથમિક શાળા સુધીનો સ્ટેટ રોડ અત્યંત જર્જરિત બની ગયો છે. આર.સી.સી. રોડ તૂટી જવાથી અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો સતત અકસ્માતના ભય વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે.
ચોમાસાની ઋતુમાં રોડ પર પાણી ભરાઈ જતાં બહાર આવેલા સળિયા દેખાતા નથી. પરિણામે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે અને વાહનોને નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે કેટલાક વાહનચાલકો આ સળિયાના કારણે અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત પણ થયા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ સમસ્યા અંગે તા. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ સ્ટેટ કાર્યપાલક ઈજનેરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. જોકે એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મરામત કે કામગીરી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે અગાઉ પણ રોડની બેદરકારીના કારણે લીલિયાના સલડી ગામ અને લીલિયા બાયપાસ વિસ્તારમાં ગંભીર અકસ્માતો સર્જાયા હતા, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ છતાં સંબંધિત વિભાગ કોઈ બોધપાઠ લેતો દેખાતો નથી.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં રોડનું પેચવર્ક કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
