મુખ્ય હાઇલાઇટ્સ:
- સુરતના નાનપુરા-લક્કડકોટ ખાતે પાલિકાના સત્તાવાર ઠરાવ કે ઉદ્ઘાટન વિના જ શરૂ કરી દેવાઈ હતી ફિશ માર્કેટ.
- ૩.૯૦ કરોડના ખર્ચે બનેલી માર્કેટના ગેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનું બોર્ડ લગાવતા મચ્યો ભારે હોબાળો.
- શાકાહારી વડાપ્રધાનના નામે માંસાહારી માર્કેટ ચલાવવા સામે સ્થાનિક કહાર-માછી સમાજ અને વિપક્ષે માંડ્યો મોરચો.
- ચારેય તરફથી થયેલા વિરોધ અને જનઆક્રોશ બાદ આખરે વિવાદાસ્પદ નામ પર સફેદ આડશ લગાવી ઢાંકી દેવાયું.
પાલિકાના મંજૂરી કે ઉદ્ઘાટન વગર જ ફિશ માર્કેટ શરૂ કરી દેવાઈ
સુરત શહેરના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં મહાનગરપાલિકાના સત્તાવાર ઠરાવ કે કોઈ પણ પ્રકારના વિધિવત ઉદ્ઘાટન વિના જ એક ફિશ માર્કેટ ધમધમતી કરી દેવામાં આવી હતી. અંદાજે ૩.૯૦ કરોડ રૂપિયાના સરકારી ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં પાલિકાની સામાન્ય સભા કે સાંસ્કૃતિક સમિતિની કોઈ જ આગોતરી મંજૂરી લેવામાં આવી નહોતી. મંજૂરી વિના જ માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર પર વડાપ્રધાનના નામનું વિશાળ બોર્ડ લગાવી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
વડાપ્રધાનના નામે માર્કેટનું બોર્ડ લગાવાતા વિવાદ વકર્યો
આ ફિશ માર્કેટના મુખ્ય ગેટ પર ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’નું વિશાળ બોર્ડ મારી દેવામાં આવ્યું હતું. શુદ્ધ શાકાહારી એવા દેશના વડાપ્રધાનના નામે માંસાહારી માર્કેટ ચલાવીને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક કહાર-માછી સમાજ તેમજ વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર મોરચો માંડવામાં આવ્યો હતો. આ મુદ્દે અહેવાલો પ્રસિદ્ધ થતાં જ સ્થાનિક રાજકારણથી લઈને મનપા તંત્રના ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
જનઆક્રોશ સામે ઝૂકીને નામ પર સફેદ કવર લગાવાયું
આ મામલે ચોતરફથી ભારે વિરોધ અને હોબાળો મચતાં પાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપવામાં આવી હતી. વધતા જતા જનઆક્રોશ અને વિવાદ સામે આખરે એસોસિએશને ઝૂકવાની ફરજ પડી હતી. વિવાદાસ્પદ બોર્ડ પરથી વડાપ્રધાનનું નામ દેખાતું બંધ થાય તે માટે તેના પર સફેદ આડશ અને કવર લગાવીને નામ પૂરેપૂરું ઢાંકી દેવામાં આવ્યું છે.
અહેવાલ: ફારૂક બિલખીયા
