મુખ્ય હાઇલાઇટ્સ:
- કરોડોના કૌભાંડનો આક્ષેપ: નવા ખીજડીયા ગામે સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં મોટી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદ.
- કામગીરીમાં ગોટાળા: મોક્ષરથ, મીની ટ્રેક્ટરનો અંગત ઉપયોગ અને એક જ રસ્તા પર વારંવાર ગ્રાન્ટ વાપરીને ૨.૨૧ કરોડથી વધુનું ડુપ્લીકેશન.
- તંત્રની શંકાસ્પદ ભૂમિકા: સ્થાનિક કક્ષાએ ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા તપાસ દબાવી દેવાતી હોવાનો આક્ષેપ.
- ઉચ્ચ કક્ષાએ રજૂઆત: ગાંધીનગર તકેદારી આયોગ અને જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે લેખિત ફરિયાદ.
- ન્યાયની માંગ: તપાસ સમિતિની રચના કરી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ગ્રામજનોની માગણી.
મોક્ષરથથી લઈને ટ્રેક્ટર સુધીના કૌભાંડનો આક્ષેપ: તપાસમાં લીપાપોતી થતી હોવાની ગ્રામજનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત
અમરેલી: અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારે ભારે ચકચાર જગાવી છે. તત્કાલીન સરપંચ, વહીવટદાર, તલાટી-કમ-મંત્રી અને તાલુકા પંચાયતના કેટલાક પદાધિકારીઓની મિલીભગતથી સરકારની વિકાસલક્ષી ગ્રાન્ટોનો ગેરઉપયોગ કરી કાગળ પર કામો બતાવી નાણાં ચાઉં કરી જવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા લીપાપોતી કરવામાં આવતી હોવાનો ગ્રામજનોનો આક્રોશ છે.
ગ્રામજનોના આક્ષેપ મુજબ, વર્ષ ૨૦૨૧માં મોક્ષરથ અને સ્મશાન સગડી માટે મંજૂર થયેલી ૨.૫૦ લાખથી વધુની ગ્રાન્ટનો ક્યાંય ઉપયોગ થયો નથી. તપાસના નામે તંત્રએ અન્ય જગ્યાએથી રથ લાવી ખોટા પંચો ઉભા કરી રિપોર્ટ તૈયાર કરી લીધો હોવાની શંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત, ઘનકચરાના નિકાલ માટે મળેલું મીની ટ્રેક્ટર છેલ્લા ૩-૪ વર્ષથી પંચાયતના પદાધિકારીના ખેતરમાં વપરાતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, એક જ રસ્તા પર વારંવાર ગ્રાન્ટ વાપરીને ખોટા પ્રમાણપત્રો મેળવી ૭૫ જેટલા કામોમાં ૨.૨૧ કરોડથી વધુની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પણ કહેવાય છે. ‘નલ સે જલ’ જેવી મહત્વની યોજનાઓમાં પણ પાઈપલાઈન નાખ્યા વગર જ બીલ ચૂકવી દેવાયા છે અને આર. ઓ. પ્લાન્ટ જેવી સુવિધાઓ કાગળ પર જ રહી ગઈ છે.
સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે. ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને જવાબદાર અધિકારીઓ તપાસને દબાવી દઈ ભ્રષ્ટાચારીઓને છાવરે છે. સાધનિક પુરાવાઓ અને ફોટોગ્રાફ્સ હોવા છતાં નક્કર પગલાં ન લેવાતા આખરે ગ્રામજનોએ ગુજરાત રાજ્ય તકેદારી આયોગ, વિકાસ કમિશનર, અમરેલીના ધારાસભ્ય અને સાંસદ તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી સ્થળ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
