મુખ્ય હાઇલાઇટ્સ:
- જુગાર પર પોલીસનો સપાટો: રાજુલાના મફતપરા વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર શખ્સો પોલીસના સકંજામાં.
- મુદ્દામાલની જપ્તી: રોકડા ૧૦,૧૫૦ રૂપિયા અને ગંજીપત્તા સાથે આરોપીઓની ધરપકડ.
- સક્રિય પોલીસિંગ: રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જુગારધામનો પર્દાફાશ.
- આરોપીઓની વિગત: તમામ પકડાયેલા આરોપીઓ રાજુલાના મફતપરા વિસ્તારના હોવાનું ખુલ્યું.
- કાયદેસરની કાર્યવાહી: આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કડક કાયદાકીય તપાસ શરૂ કરવામાં આવી.
પોલીસની સઘન પેટ્રોલિંગમાં જુગારધામનો પર્દાફાશ: ૧૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ

રાજુલા: અમરેલી જિલ્લાના રાજુલા ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઇ.જી. અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મફતપરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી. એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એફ. ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા મફતપરા વિસ્તારમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી જુગાર રમતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા વિક્રમભાઇ હિંમતભાઇ મકવાણા, મુકેશભાઇ ગોબરભાઇ ઠોળીયા, રોનકભાઇ જેન્તીભાઇ ગોરા અને અલ્પેશભાઇ છગનભાઇ કલસરીયા (તમામ રહે. રાજુલા, મફતપરા) ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસની ટીમે સ્થળ પરથી રોકડા ૧૦,૧૫૦ રૂપિયા અને જુગાર રમવામાં વપરાતી ગંજીપત્તાની કેટી (૫૨ પાના) કબ્જે કરી હતી. પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ રાજુલા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એફ. ચૌહાણ, એ.એસ.આઇ ભરતભાઇ વાળા તથા સર્વેલન્સ સ્ટાફના સુરેશભાઇ મેર, સુરજભાઇ બાંભણીયા, પ્રકાશભાઇ બાબરીયા અને અમીતભાઇ મકવાણા સહિતના પોલીસકર્મીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાજુલા પોલીસની આ સક્રિય કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
