મુખ્ય હાઇલાઇટ્સ:
- વિધાનસભા સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિતનો સુકાયેલો પાક હાથમાં લઈને વિધાનસભા પહોંચ્યા.
- દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની આગેવાની સાથે ઈસુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઘેર્યું સરકારી તંત્ર.
- ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી વિધાનસભા ગૃહમાં ખેડૂતોનો અવાજ બુલંદ કરશે.
- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણી-ઘાસચારાની ભારે અછત; માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ.
સુકાયેલા પાક સાથે ગૃહમાં પહોંચી આમ આદમી પાર્ટીનો વિરોધ
ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય પાકનો સુકાયેલો છોડ લઈને વિધાનસભા ખાતે પહોંચ્યા હતા અને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની આગેવાની કરી રહેલા ઈસુદાન ગઢવીની સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ વિધાનસભા પરિસરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની કથળતી સ્થિતિ અંગે ઈસુદાન ગઢવીના આકરા પ્રહારો
માધ્યમો સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો હાલમાં ભયાનક અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકારને વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવવા માટે જ તેઓ મગફળીના સુકાઈ ગયેલા પાક સાથે વિધાનસભા આવ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, સિંચાઈના પાણીની વાત તો દૂર રહી, પરંતુ લોકો પાસે પીવા માટે પણ પાણી ઉપલબ્ધ નથી. ખેતરોમાં પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને માલધારીઓ પોતાના પશુધનને બચાવવા માટે હિજરત કરવા મજબૂર બન્યા છે.
ખેડૂતોને ત્વરિત સહાય અને દુષ્કાળ જાહેર કરવા માંગ
ઈસુદાન ગઢવીએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, શું કોઈ મોટું આંદોલન થાય કે પછી ખેડૂતો મરવા મજબૂર બને ત્યારે જ સરકાર જાગશે અને સહાય જાહેર કરશે? તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને ૧૫ દિવસે માત્ર એક ઘાસચારાની ગાંસડી મળે છે, જેનાથી પશુધનનું પાલનપોષણ કરવું શક્ય નથી. આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહની અંદર ખેડૂતોનો અવાજ બનીને રાજ્યમાં ત્વરિત ધોરણે સત્તાવાર દુષ્કાળ જાહેર કરવાની માંગણી મજબૂતીથી રજૂ કરશે.
અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી
