મુખ્ય હાઇલાઇટ્સ:
- લાઠી શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતી આચરનાર નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી લાઠી પોલીસ.
- પીઆઈ એમ.બી. ઔસુરાની આગેવાનીમાં બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરી આરોપી હાર્દિક રમેશભાઈ ખાંભુની કરાઈ અટકાયત.
- પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત.
- ચકચારી ઘટનામાં પોલીસે તાબડતોબ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરતાં પંથકમાં પોલીસ કામગીરીની સરાહના.
શરમજનક ઘટના સામે આવતાં લાઠી પોલીસ ત્વરિત હરકતમાં
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં એક સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીની અત્યંત શરમજનક ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા દ્વારા તાબડતોબ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ લંબાવી આરોપીને ઝડપી લેવા ખાસ રણનીતિ બનાવી હતી.
ગુપ્ત માહિતીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત
લાઠી પોલીસે પોતાની બાજ નજર અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આ ચકચારી કેસમાં સંડોવાયેલા નરાધમ આરોપી હાર્દિક રમેશભાઈ ખાંભુ (રહે. લાઠી) ને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢીને ઝડપી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી ગુનાના કામમાં ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન સહિતનો અન્ય જરૂરી સામાન પણ કબ્જે કર્યો છે.
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સંવેદનશીલ અને ચકચારી ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલવાની ઉત્કૃષ્ટ કામગીરીમાં લાઠી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાની સાથે એ.એસ.આઈ. શક્તિસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ કામળીયા, મનીષભાઈ જાની, હસમુખભાઈ ખુમાણ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ અને વિજયભાઈ તલસાણીયા સહિતનો પોલીસ સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો.
અહેવાલ: ફારૂક બિલખીયા અમરેલી
