મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખાનપુર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો.
- પોષણ ઉત્સવ સાથે દસક્રોઈ-૧ અને દસક્રોઈ-૨ ઘટક કચેરીઓનું પણ કરવામાં આવ્યું લોકાર્પણ.
- મિલેટ્સ, સરગવો અને ટી. એચ. આર. માંથી પૌષ્ટિક વાનગીઓની હરીફાઈ યોજાઈ.
- જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા.
ખાનપુર ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી અને નવી કચેરીઓનું લોકાર્પણ
અમદાવાદ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખાનપુર ખાતે જિલ્લા કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીની સાથે જ પ્રજાજનોની સુવિધા અર્થે દસક્રોઈ-૧ અને દસક્રોઈ-૨ ની નવી ઘટક કચેરીઓનું પણ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર થકી સ્વસ્થ જીવનશૈલી’ નો સંદેશ આપવાનો હતો, જેમાં આંગણવાડી કાર્યકર બહેનો, કિશોરીઓ અને માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મિલેટ્સ અને સરગવાની વાનગી હરીફાઈથી પોષણ જાગૃતિનો સંદેશ
પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડીની વિવિધ યોજનાઓ જેવી કે ટી. એચ. આર. (ટેક હોમ રાશન), બાલશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ તેમજ મિલેટ્સ (તૃણ ધાન્ય) અને સરગવાની પૌષ્ટિક વાનગીઓની એક વિશાળ હરીફાઈનું આયોજન કરાયું હતું. અમદાવાદ જિલ્લાના કુલ ૧૨ ઘટકોમાંથી આવેલી આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી મિલેટ્સ અને ટી. એચ. આર. માંથી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવીને પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી.
જિલ્લા અને તાલુકાના અગ્રણી પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ભાવિબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન ઠાકોર તેમજ દસક્રોઈ તાલુકા પ્રમુખ સુનિતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સહિત જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
