મુખ્ય હાઇલાઇટ્સ:
- નેશનલ ઇન્ડક્શન ૭.૦ અંતર્ગત દેશની ૧૩૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ સાથે ગુરુદેવનો જીવંત સંવાદ.
- ‘સિચ્યુએશનશિપ’ વિરુદ્ધ ‘સોલમેટ’, એકલતા અને માનસિક સ્થિરતા જેવા યુવા પેઢીના પ્રશ્નોનું સરળ અને આત્મીય સમાધાન.
- સોશિયલ મીડિયા, ડિજિટલ યુગ અને કૃત્રિમ બુદ્ધિમત્તાના સમયમાં વિવેકબુદ્ધિ જાળવી રાખી એકાગ્રતા વધારવા આહ્વાન.
- “યુવાનીમાં શરારતી બની રહો પરંતુ તે બીજા માટે પીડા ન બનવી જોઈએ” – ગુરુદેવે આપ્યો જીવન ઉપયોગી સંદેશ.
ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે ગુરુદેવનો આત્મીય સંવાદ
આર્ટ ઑફ લિવિંગના યુથ ડેસ્ક દ્વારા આયોજિત સાતમા નેશનલ ઇન્ડક્શન પ્રોગ્રામ અંતર્ગત તાજેતરમાં વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે એક જીવંત સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતની ૧૩૦૦થી વધુ પ્રતિષ્ઠિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેવી કે આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી અને એઈમ્સના પ્રથમ વર્ષના હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના મનમાં ચાલતી મૂંઝવણો અને પ્રશ્નો ખુલ્લેઆમ ગુરુદેવ સમક્ષ રજૂ કર્યા હતા.
‘સિચ્યુએશનશિપ’ અને એકલતા અંગે ગુરુદેવે આપ્યો નવો દૃષ્ટિકોણ
સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યારની પેઢીમાં જોવા મળતા વિવિધ વિષયો જેવા કે કોરિયન હાર્ટ ઇમોજી, રાત્રે મોડા સુધી ચાલતા વિચારો અને અંદરની એકલતા અંગે પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીએ ‘સિચ્યુએશનશિપ’ પસંદ કરવી કે ‘સોલમેટ’ની શોધ કરવી તે અંગે પૂછ્યું, ત્યારે ગુરુદેવે અત્યંત સરળતાથી સમજાવ્યું કે પોતાની જાતને સામે વાળી વ્યક્તિની જગ્યાએ રાખીને જોવાથી સાચો નિર્ણય લઈ શકાય છે. આ ઉપરાંત કાશ્મીરની વિદ્યાર્થીનીના એકલતા અને નિરર્થકતાના પ્રશ્ન પર તેમણે શ્વાસ અને આંતરિક ધ્યાનને માનસિક શાંતિનું ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું.
શરારતી બનો પણ બીજાને પીડા ન આપો
ગુરુદેવે તેમની રમૂજી અને સહજ શૈલીથી યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ પોતાની જીવંતતા ક્યારેય ખોવી ન જોઈએ. તેમણે હસતાં-હસતાં કહ્યું કે “શરારતી બની રહો, આ જ યુવાનીની સાચી ઓળખ છે, પરંતુ તમારી શરારત કોઈ બીજા માટે પીડાનું કારણ ન બનવી જોઈએ.” તેમણે ભારતીય યુવાનોને વિશ્વની વાસ્તવિક સંપત્તિ ગણાવી બહારથી મજબૂત અને અંદરથી પરિવર્તનક્ષમ વ્યક્તિત્વ કેળવવા હાકલ કરી હતી.
સોશિયલ મીડિયા અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં એકાગ્રતા કેળવવા સલાહ
આજના સમયમાં ઘટી રહેલી એકાગ્રતા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે તણાવમુક્ત રહેવાથી ઊર્જા અને એકાગ્રતા સ્વાભાવિક રીતે વધે છે. સોશિયલ મીડિયા પર આવતી તમામ બાબતોને સાચી ન માનવા અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવવા તેમણે ટાંક્યું હતું. મિત્રતાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું કે સારો મિત્ર એ છે જે તમને અન્યથી પાછળ રહી જવાના ભયમાંથી બહાર લાવે. સફળતાની દોડમાં આંતરિક શાંતિ, ઊર્જા અને કરુણા જીવંત રાખવા ગુરુદેવે યુવાનોને પ્રેરણા આપી હતી.
અહેવાલ: ચેતન રાજપૂત
