આજના બર્થડે સર્જક:
*પન્નાલાલ પટેલ*
(લેખન -સંકલન અને સ્કેચ:
‘શિલ્પી’ બુરેઠા)
**
કવિશ્રી સુંદરમે જેમને ‘સાહિત્ય જગતના એક ચમત્કાર’ તરીકે અને લાભશંકર ઠાકરે ‘માસ્ટર સ્ટોરી ટેલર’ તરીકે ઓળખાવેલા, જેમણે ગુજરાતી ભાષાની મોંઘી મિરાત ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’ જેવી કાલજયી અને પ્રાણવાન નવલકથાના આપી, ગુજરાતી સાહિત્યને જ્ઞાનપીઠ એવોર્ડનું ગૌરવ પ્રદાન કરનાર સર્જક પન્નાલાલ પટેલ એટલે મોટા ગજાના સાહિત્યકાર. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગુજરાતની સરહદે આવેલા માંડલી ગામમાં 7મી મે 1912ના રોજ પિતા નાનાલાલના ઘેર હીરાબાની કૂખે તેમનો જન્મ થયો હતો. બે વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી એટલે તેમનો ઉછેર માતા હીરાબાને હાથે થયો. હીરાબા અભણ છતાં વ્યવહારકુશળ હતાં. તેમનું પિયર ગામ મોયડી ગુજરાતમાં એટલે તેમની માતૃભાષા ગુજરાતી, જ્યારે પિતાની માતૃભાષા રાજસ્થાની. તેમના પિતા લખી-વાંચી શકે એટલું ભણ્યા હતા. રામાયણ કે મહાભારત ગામલોકોને વાંચી સંભળાવતા. તેઓ ‘નાનશા’ તરીકે ઓળખાતા હતા. પિતાનો આ સાહિત્ય વારસો તેમનામાં સાંગોપાંગ ઉતર્યો હતો. તો નાનપણમાં હીરાબા પાસેથી ભયંકર છપ્પનીયા દુષ્કાળની વાતો સાંભળેલી.પન્નાલાલ પટેલના ઉછેરમાં નૈસર્ગિક સમૃદ્ધિ,જીવન જગત વિષેના અનુભવો તેમની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિની જીવન દૃષ્ટિ અને ઉમાશંકર જોશી જેવા સાહિત્યકાર મિત્રોની સાહિત્ય ચર્ચા અને ઉત્તમ સાહિત્ય કૃતિઓનું વાંચન વગેરે સાહિત્ય પાથેય દ્વારા તેમની સર્જક પ્રતિભા ઘડાઈ હતી. પન્નાલાલના બાળપણના અનુભવો અને પારિવારિક સંબંધો વિશે તેમની આત્મકથાત્મક કૃતિ ‘અલપ-ઝલપ’ માં આલેખાયેલા છે. તેના આમુખમાં ઉમાશંકર જોશીએ કહ્યું છે,”પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હ્યુષ્ટ પુષ્ટ ગોળ મટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો- બલ્કે લાલ લાલ ચહેરો…અવાજ ઊંડો ઘેરો પણ સૌથી વિશેષ તો મીઠાશ ભર્યો. કહો કે ગયો ગયો. આંખમાં અચૂક વરતાતી’હું સમજુ છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષતી વસ્તુ તે હતી.એમની મોકળાશ ભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિઓમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલા પૂર્વક વિચારતા.”
સાત- આઠ વર્ષની વયે જયશંકર આનંદ મહારાજ બાપજી સાથે મેઘરજ ભણવા ગયા. મેઘરજમાં બાપજી તરફથી પૂરતી મદદ ન મળી શકી.પરંતુ મેઘરજ પધારેલા મહારાજ કુંવર સમક્ષ “બંસીવાલા આજો મોરે દેશ…” ગાવાની તક મળી અને તેમને સાંભળીને તેઓ ખુશ થઈ ગયા. રાજકુંવરે ફોજદારને આદેશ આપતાં કહ્યું : ‘ટાબરાને ઈડર બોર્ડિંગમાં ભેજયો જાય.” ઈડરની બોર્ડીગમાં પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષીના સહાધ્યાયી બન્યા અને તેમની મૈત્રી ગાઢ બની.
અભ્યાસમાં તેજસ્વી પણ આર્થિક પરિસ્થિતિના તેઓ કારણે આગળ ભણી શક્યા નહીં.આઠ ધોરણ સુધીનો અભ્યાસ કરી શકનાર પન્નાલાલ પટેલે અમદાવાદમાં થોડોક વખત મિલમાં કામ કર્યું પછી વતનમાં આવ્યા. ત્યારે માતા હિરાબાનું અવસાન થયું. ગામમાં કાપડની દુકાન કરી પણ ન ચાલી. ડુંગરપુર સ્ટેટના દાણ ખાતાના અમલદાર ચતુરભાઈના પરિવારમાં ગોઠવાયા, ડુંગરપુર પાસે રુસ્તમ શેઠની દારૂ ગાળવાની ભઠ્ઠીમાં કામ કર્યું. બાર રુપિયાના પગારમાં મૅનેજર તરીકે રહ્યા.ઘરનોકર તરીકે કામ કર્યું. ઑઈલમેન તરીકે કામ કર્યુ અને એક સદગૃહસ્થની મદદથી અમદાવાદની ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્ય ની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. 1947માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા.1958 થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો.1971માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે ‘સાધના પ્રકાશન’ કંપનીની શરુઆત કરી.
કવિ ઉમાશંકરે તેમનો છંદમાં પાઠવેલા પત્ર વાંચીને કહેલું : “લખો પન્નાલાલ.” અને સુંદરમ્ ને તેમની ભાળવણ કરી. કવિતાઓથી લેખન સર્જન શરૂ થયું .શરૂઆતની પદ્યરચનાઓ જોડકણાં જેવી હતી. તેમણે રચેલી સર્વ પ્રથમ નવલિકા ‘શેઠની શારદા’ ઝવેરચંદ મેઘાણીએ ‘ફૂલછાબ’માં પ્રગટ કરી હતી. 1940માં પ્રથમ લઘુનવલ ‘વળામણાં’ અને વાર્તાસંગ્રહ ‘સુખ દુઃખના સાથી’ના પ્રકાશ વિસર્જન યાત્રા1986 સુધીમાં ચાલ્યું 54 થી વધુ નવલકથાઓ 26 વાર્તાસંગ્રહો 11 ત્રિઅંકી નાટકો ,11 બાલ કિશોર સાહિત્યની કૃતિઓ ત્રણ પ્રૌઢ સાહિત્યની અને ચાર જેટલી પ્રકીર્ણ રચનાઓ મળીને વિપુલ અને વૈવિધ્યસભર સાહિત્ય આપ્યું છે.
1941માં ‘મળેલા જીવ’ ,
નવલકથા પ્રગટ થઈ. જાનપદી નવલકથામાં વિશિષ્ટ સ્થાન પામેલી આ નવલકથા પરથી હિન્દી ‘ઉલઝન’ નામે ફિલ્મ પણ બની.એ પછી 1943માં ‘ભીરુ સાથી’ પ્રગટ થઈ, જે તેમની પહેલી નવલકથા છે. ‘યૌવન'(1944) અને ‘સુરભિ'(1945)નગરજીવનની નવલકથાઓ છે. સર્જકપ્રતિભાની વિત્તવાન નવલકથા ‘માનવીની ભવાઈ'(1947) ‘ભાંગ્યાના ભેરુ’ ના છૂટકે’ ‘નવું લોહી’, પડઘા અને પડછાયા, ‘આંધી અષાઢની’, ‘મીણ માટીનાં માનવી’, ‘ઘમ્મરવલોણું’ ,’કંકુ’, ‘અલ્લડ છોકરી, પાર્થને કહો ચડાવે બાણ, કૃષણ જીવનલીલા’,વગેરે નવલકથાઓ આપી છે. ‘પાછલે બારણે’,’ફકીરો’, ‘વળઈ વતન’માં તેમની લઘુનવલો છે.તેમણે મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક નવલકથાઓ આપી.પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિંદુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી.
ધૂમકેતુ પછી સૌથી વધુ સંખ્યામાં નવલિકાઓ આપનાર પન્નાલાલ પટેલે 450 થી પણ વધુ ટૂંકી વાર્તાઓ આપી છે.’સુખદુ:ખના સાથી’, ‘ધરતી આભનાં છેટા’, ‘રંગમિનારા’, બિન્ની’, ‘પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘વીણેલી નવલિકાઓ’,’પાનેતરમાં રંગ’,’વટ નો કટકો’, ‘મનનાં મોરલાં’, ‘વાત્રક ને કાંઠે’, ‘ચીતરેલી દીવાલો’,’પીઠીનું પડીકું’, ‘જીંદગીના ખેલ’. વગેરે છે.તો નાટક – ‘જમાઇરાજ’, ‘ચાંદો શેં શામળો’, ‘સપનાનાં સાથી’, અલ્લડ છોકરી’, સ્વપ્ન,વૈંતરણી ના કાંઠે,’ઢોલીયા સાગસીસમના’.
ચિંતન – ‘પૂર્ણયોગનું આચમન’,
બાળ સાહિત્ય – ‘દેવનાં દીધેલ’, ‘વાર્તાકલ્લોલ ગુચ્છ’, ‘લોકમિનારા, બાળકિલ્લોલ’ અને
પ્રકીર્ણ – અલકમલક,સર્જનની સુવર્ણ સ્મરણિકા’, ‘લોકગુંજન વગેરે છે. તો બાલ્ય અવસ્થા થી માંડી ને1948સુધીના જીવન પ્રસંગો ‘જિંદગી સંજીવની’ નવલકથાના સાત ભાગમાં કલ્પનાની રંગપૂરણી કરીને સવિસ્તાર આલેખ્યા છે.
1979માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ રહયા હતા.1950માં તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો અને 1985માં તે ‘માનવીની ભવાઈ’ નવલકથા માટે ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’થી પુરસ્કૃત થયા હતા. ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ઉમાશંકર જોષી પછી ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મેળવનાર તેઓ બીજા ગુજરાતી સર્જક હતા.1989 ની 6એપ્રિલે તેમનું બ્રેઈન હેમરેજથી અમદાવાદમાં અવસાન થયું હતું.