જૂનાગઢ:
જૂનાગઢના જાણીતા પ્રવાસન સ્થળ વિલિંગ્ડન ડેમ ખાતે રવિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મિત્રો સાથે રજાની મજા માણવા ગયેલા સાત યુવાનો પૈકી ત્રણ કિશોરો માટે આ સહેલગાહ અંતિમ સાબિત થઈ હતી. ડેમના પાણીમાં ન્હાવા પડેલા ઉત્તર પ્રદેશના ત્રણ પરપ્રાંતીય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેઓના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અહીં રહેતા સાત મિત્રોનું એક ગ્રુપ વિલિંગ્ડન ડેમ ખાતે ફરવા માટે ગયું હતું. ગરમીથી રાહત મેળવવા અને મોજમસ્તી કરવા માટે આ તમામ મિત્રો ડેમમાં ન્હાવા પડ્યા હતા. જોકે, ન્હાતી વખતે અચાનક ત્રણ યુવકો પાણીના પ્રવાહ અને ઊંડાણમાં ખેંચાઈ ગયા હતા. કિનારે હાજર અન્ય મિત્રો કંઈ સમજે તે પહેલા જ ત્રણેય પાણીમાં લાપતા થઈ ગયા હતા.
બનાવની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ શિવમ ભારતીડીન શાહુ (18), હસ્નૈન જીલાની શેખ (16) અને કલામ અલિમુદ્દીન શેખ (16) તરીકે થઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા જળાશયોમાં ન્હાવાનું જોખમ ન ખેડવું, કારણ કે ક્ષણિક મજા આખા પરિવાર માટે આજીવનની સજા બની શકે છે.