મુખ્ય હાઇલાઇટ્સ:
- દારૂનો મોટો જથ્થો: જેતપુર પોલીસે બે અલગ-અલગ દરોડામાં કુલ ૩૨૭૨ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
- લાખોનો મુદ્દામાલ: દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૮,૪૭,૨૪૦નો મુદ્દામાલ જપ્ત.
- કુખ્યાત બૂટલેગરની શોધ: ૬૫થી વધુ ગુનામાં સંડોવાયેલ ડબલી ઉર્ફે અનિલનું નામ ખુલતા પોલીસ એલર્ટ.
- ત્રણ શખ્સોની ધરપકડ: પોલીસે વસીમ સોલંકી, વિશેષ પરમાર અને દિલીપ વાળા નામના શખ્સોને રંગેહાથ ઝડપી લીધા.
- કાર્યવાહીની રીત: ફૂલવાડી અને ખીરસરા રોડ પર ગુપ્ત બાતમીના આધારે પોલીસે સફળ રેડ પાડી.
ફૂલવાડી અને ખીરસરા રોડ પર દારૂના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત: ૬૫થી વધુ ગુનામાં સંડોવાયેલ બૂટલેગરનું નામ ખૂલતા ચકચાર

જેતપુર: જેતપુર પંથકમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક કાર્યવાહીમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજીની સ્પેશિયલ સ્કવોડ અને જેતપુર તાલુકા પોલીસની ટીમે અલગ-અલગ બે દરોડા પાડીને કુલ ૩૨૭૨ બોટલ વિદેશી દારૂ તેમજ વાહન અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૮.૪૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડામાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત બૂટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, રેન્જ આઈજીની ટીમે મળેલી બાતમીના આધારે ફૂલવાડી વિસ્તારમાં વોચ ગોઠવી એક શંકાસ્પદ કારને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી દોઢ લાખની કિંમતની ૧૨૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વસીમ ઈકબાલ સોલંકી અને વિશેષ ભુપેશભાઈ પરમારને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂ ડબલી ઉર્ફે અનિલ બારૈયાનો છે. ઉલ્લેખનીય છે કે ડબલી ઉર્ફે અનિલ અગાઉ ૬૫થી વધુ દારૂના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે.
બીજી તરફ, જેતપુર તાલુકા પોલીસને ખીરસરા રોડ પર આવેલા ગાલોરીયા નદીના પુલ પાસે એક બંધ સિમેન્ટ ફેક્ટરીમાં દારૂ ઉતર્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડી દિલીપ ઉર્ફે દિલો કાળુભાઈ વાળા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં રેતીમાં અને બાવળની કાંટાળી ઝાડીઓમાં છુપાવેલો ૩.૫૨ લાખની કિંમતનો ૨૦૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો. પકડાયેલા દિલીપે આ દારૂ રવિ ઉર્ફે ઠાકોર મેરામભાઈ મરતોલિયા સાથે ભાગીદારીમાં વેચતો હોવાની કબૂલાત કરતા પોલીસે રવિની શોધખોળ શરૂ કરી છે. પોલીસે બંને કેસમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
