મુખ્ય હાઇલાઇટ્સ:
- ગેરકાયદેસર વૃક્ષ છેદન: રામપુરા (ભંકોડા) ગામમાં તળાવની પાળ પરના લીલાછમ વૃક્ષો પર કુહાડી ફરી વળી.
- પુરાવા સાથે ફરિયાદ: લાકડા ભરેલા ટ્રેક્ટરોના ફોટોગ્રાફ્સ સાથે વન વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી.
- પર્યાવરણને નુકસાન: વન મહોત્સવની ઉજવણીના માહોલ વચ્ચે કુદરતી સંપત્તિના નિકંદનને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ.
- કડક કાર્યવાહીની માંગ: જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પરિવહનમાં વપરાતા વાહનો જપ્ત કરવા માંગણી.
- તપાસની અપીલ: ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ અને જવાબદારોને સજા અપાવવાની માંગ કરવામાં આવી છે.
વન મહોત્સવની ઉજવણી વચ્ચે પર્યાવરણને નુકસાન: પુરાવા સાથે વન વિભાગમાં લેખિત ફરિયાદ, તટસ્થ તપાસની માંગ
દેત્રોજ: ગુજરાતમાં હાલ વન મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ઠેર-ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા (ભંકોડા) ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી તળાવની પાળ અને આસપાસના વિસ્તારમાં ઉભેલા લીલાછમ અને જીવંત વૃક્ષોની મોટાપાયે ગેરકાયદેસર રીતે કતલ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર કનુભાઈ સુમેસરા દ્વારા અમદાવાદ વર્તુળના વન સંરક્ષકને લેખિત ફરિયાદ કરી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગામના તળાવની પાળ પરથી અનેક વૃક્ષોને મૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે. વૃક્ષો કાપ્યા બાદ લાકડા ભરેલા ટ્રેક્ટરો દ્વારા તેનું ગેરકાયદેસર રીતે પરિવહન પણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે વન વિભાગને સોંપવામાં આવ્યા છે. કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રજૂઆતકર્તાએ સ્પષ્ટ માંગ કરી છે કે, વન વિભાગ દ્વારા આ મામલે સ્થળ તપાસ કરવામાં આવે અને આ ગેરકાયદેસર કતલ પાછળ જવાબદાર ઈસમો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ લાકડાની હેરફેર કરતા વાહનોને તાત્કાલિક અસરથી જપ્ત કરવા અને તંત્રની શંકાસ્પદ ભૂમિકા અંગે પણ નિષ્પક્ષ તપાસ કરવા માટે ભારપૂર્વક માંગ કરવામાં આવી છે. વન મહોત્સવના દિવસોમાં જ વૃક્ષોનું નિકંદન કાઢતી આ ઘટના સામે તંત્ર હવે કેવા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
