મુખ્ય હાઇલાઇટ્સ:
- રેકોર્ડબ્રેક વરસાદ: અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના બારેજા શહેરમાં માત્ર ૨૪ કલાકમાં ૧૪ ઇંચથી વધુ ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.
- જળબંબાકારની સ્થિતિ: બારેજાના ચુનારાવાસ, વાથરીવાસ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં કમર સુધી પાણી ઘૂસી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
- નેતૃત્વ દ્વારા સ્થળ મુલાકાત: પરિસ્થિતિની ગંભીરતાને જોઈને સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર હર્ષ પટેલ, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સતત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.
- તંત્રની આગોતરી તૈયારીઓ: કોઈપણ આપત્તિને પહોંચી વળવા ૭૫૦૦ રેતીની બોરીઓ તૈયાર રાખવામાં આવી છે અને નદીકાંઠાના સરપંચો સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે.
- વાસણા બેરેજની સ્થિતિ: વાસણા બેરેજમાંથી ૨૫૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ ન હોવાથી હાલ કોઈ ચિંતાની વાત નથી.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં મેઘરાજાએ અતિશય રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દસ્ક્રોઈના બારેજા શહેરમાં ગઈકાલ સવારથી શરૂ થયેલા મુસળધાર અને ધોધમાર વરસાદે સમગ્ર શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. ગઈકાલથી અત્યાર સુધીમાં અહીં ૧૪ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે બારેજાના મુખ્ય બજારો અને અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. શહેરના વરસાદી પાણીના નાળા છલકાઈ જવાના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે અને અનેક જગ્યાએ કમર સુધીના પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
બારેજા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા આ અતિભારે વરસાદે કેટલાક વિસ્તારોને જાણે બેટમાં ફેરવી દીધા હોય તેવા દ્રશ્યો સર્જ્યા હતા. શહેરના મોટા ચુનારાવાસ વિસ્તાર, વાથરીવાસ વિસ્તાર સહિત અનેક રહેણાંક સોસાયટીઓ અને વ્યાપારી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થયું છે. આ કપરી અને મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારો પોતાની ઘરવખરી અને સામાન બચાવવા માટે ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા, જ્યારે કેટલાક સ્થાનિક યુવાનો પાણીમાં ઉતરીને વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા. રાહતની વાત એ છે કે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ તંત્રના જવાબદાર અધિકારીઓ સતત પ્રજાની વચ્ચે રહ્યા છે. દસ્ક્રોઈ તાલુકાના ધારાસભ્ય, મામલતદાર હર્ષ પટેલ, નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સતત વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
વરસાદી પાણીના ભારે ભરાવ અને ઉપરવાસમાંથી આવી શકેતી સંભવિત પાણીની આવક સામે પહોંચી વળવાની તૈયારીઓ વિશે વાત કરતા દસ્ક્રોઈ તાલુકાના મામલતદાર હર્ષ પટેલે જણાવ્યું હતું કે, વરસાદી માહોલમાં કોઈ પણ પ્રકારની કુદરતી આપદા ન વર્તાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નદીકિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની કે ધોવાણ થવાની સ્થિતિને રોકવા માટે ૭૫૦૦ જેટલી રેતીની બોરીઓ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, નદીકાંઠે આવેલા સંવેદનશીલ ગામોના સરપંચો સાથે દર બે કલાકે ટેલિફોનિક સંપર્ક સાધીને સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હાલમાં વાસણા બેરેજમાંથી ૨૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે ઉપરવાસમાં વધુ વરસાદ ન હોવાથી હાલ કોઈ પણ પ્રકારની ચિંતા કે ખતરાની સ્થિતિ નથી.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
