મુખ્ય હાઇલાઇટ્સ:
- ધંધુકા અને ધોલેરા સહિત અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ સેવકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું.
- સરકારી વોટ્સએપ ગ્રૂપોમાંથી લેફ્ટ થયા બાદ ૨૧ સપ્ટેમ્બરથી આઈ-ખેડૂત પોર્ટલ અને ખેતીવાડી વિભાગની તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર.
- મોબાઈલ, લેપટોપ કે ઈન્ટરનેટ જેવી સુવિધાઓ વિના પોતાના ખર્ચે કામ કરવું પડતું હોવાનો ગ્રામ સેવકોનો ગંભીર આક્ષેપ.
- ગ્રેડ-પે વધારવા, નવી ભરતીઓ કરવા અને જોબ ચાર્ટ મુજબ જ કામ લેવા સહિતની ૧૩ મુખ્ય માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન.
અમદાવાદ જિલ્લાના ગ્રામ સેવકો આંદોલનના રાહ પર
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા સહિત તમામ તાલુકાઓમાં ફરજ બજાવતા ગ્રામ સેવકોએ પોતાની ૧૩ જેટલી પડતર માંગણીઓને સંતોષવા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અમદાવાદ જિલ્લા ગ્રામ સેવક મંડળ દ્વારા આંદોલન વધુ તેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી અને સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી પર ભારે અસર પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર, માત્ર ઓફલાઈન અરજીઓ જ સ્વીકારાશે
અમદાવાદ જિલ્લા ગ્રામ સેવક મંડળના જણાવ્યા અનુસાર ધંધુકા, ધોલેરા, સાણંદ, બાવળા, દેત્રોજ, વિરમગામ, માંડલ, ધોળકા અને દસ્ક્રોઈ સહિત જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ સેવકો ગત ૧૪ સપ્ટેમ્બરથી જ તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ હવે ૨૧ સપ્ટેમ્બરથી તેઓએ આઈ-ખેડૂત એપ, આઈ-ખેડૂત પોર્ટલ તેમજ ખેતીવાડી વિભાગની તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરી દીધો છે. ગ્રામ સેવકો દ્વારા હવેથી માત્ર ઓફલાઈન કાગળો જ સ્વીકારવામાં આવશે.
સાધન-સુવિધાનો અભાવ અને પડતર માંગણીઓ અંગે આક્રોશ
ગ્રામ સેવકોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઓનલાઈન કામગીરી કરવા માટે સરકાર દ્વારા તેમને કોઈ પણ પ્રકારના મોબાઈલ, લેપટોપ કે ઈન્ટરનેટ ભથ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. અત્યાર સુધી તમામ કર્મચારીઓ પોતાના અંગત ખર્ચે સરકારી ઓનલાઈન કામો કરતા હતા. ગ્રામ સેવકોની મુખ્ય માંગણીઓમાં નક્કી કરેલા જોબ ચાર્ટ મુજબ જ કામગીરી સોંપવી, ગ્રેડ-પેમાં યોગ્ય વધારો કરવો, મહેકમ વધારવું, મુસાફરી ભથ્થામાં વધારો કરવો તેમજ ખાલી જગ્યાઓ પર નવા ગ્રામ સેવકોની તાત્કાલિક ભરતી કરવાનો સમાવેશ થાય છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
