મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામે સડથાભાઈ નકુમના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો.
- ડુંગર પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી ચોરીમાં ગયેલો ૧૦૦ ટકા મુદ્દામાલ કર્યો કબજે.
- ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઈ ગામના ૮૨ વર્ષીય વૃદ્ધ લક્ષ્મણભાઈ સીસારાની કરાઈ અટકાયત.
- સોનાની ચેઇન-પેન્ડલ, બુટ્ટી અને રોકડ રકમ મળી કુલ રૂ. ૩,૬૧,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો.
મકાનની ખડકી ખોલી અનાજની પેટીમાંથી સોના-રોકડની થઈ હતી ચોરી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા માંડળ ગામે ગત તા. ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ઘરફોડ ચોરીની ગંભીર ઘટના સામે આવી હતી. માંડળ ગામના રહીશ સડથાભાઈ નનાભાઈ નકુમ પોતાના પરિવાર સાથે ખેતરે ગયા હતા. તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા ચોરે મકાનની પાછળ આવેલી લાકડાની ખડકી ખોલી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ચોરે રૂમના તાળાં તોડી લોખંડની અનાજ ભરવાની પેટીમાં રાખેલા સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ડુંગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘટનાસ્થળની તપાસના આધારે ૮૨ વર્ષીય વૃદ્ધ પકડાયા
ઘરફોડ ચોરીનો આ ગુનો ડિટેક્ટ કરવા માટે ડુંગર પોલીસની ટીમે ફરિયાદીની વિગતો, ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ અને ખાનગી બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા ધરાઈ ગામના રહીશ લક્ષ્મણભાઈ કાનાભાઈ સીસારા (ઉંમર વર્ષ ૮૨) ને તપાસમાં લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ અને તપાસ દરમિયાન ચોરીનો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો.
સોનાના દાગીના અને રોકડ સહિત રૂ. ૩.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો સંપૂર્ણ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. જેમાં આશરે ૧૩ ગ્રામ વજન ધરાવતી સોનાની ચેઇન તથા પેન્ડલ (કિંમત રૂ. ૧,૭૫,૦૦૦), ૧૦ ગ્રામની સોનાની બુટ્ટી (કિંમત રૂ. ૫૫,૦૦૦) તેમજ રોકડા રૂ. ૧,૩૧,૦૦૦ મળીને કુલ રૂ. ૩,૬૧,૦૦૦ નો ૧૦૦ ટકા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડુંગર પોલીસ ઇન્સ્પેક્ટર વી. એસ. પલાસના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ દોસ્તમહમદ ગાહા, મધુભાઈ ભેરડા, કોન્સ્ટેબલ જયદીપભાઈ ધાખડા અને રવીરાજભાઈ ધાખડાની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી ગુનો ઉકેલી કાઢ્યો છે.
રિપોર્ટર અલીભાઈ ઝાંખરા
