મુખ્ય હાઇલાઇટ્સ:
- મોડી રાત્રે બસ સ્ટેન્ડ પાસે ભટકતી કિશોરી અંગે જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ ટીમનો સંપર્ક કર્યો.
- કિશોરીએ શરૂઆતમાં જયપુરથી આવી હોવાનું ખોટું બહાનું બતાવ્યું; ઓળખ પત્રની ચકાસણીમાં સત્ય સામે આવ્યું.
- માતાના ઠપકાથી માઠું લાગતાં ઘરેથી નીકળી ગઈ હોવાની કિશોરીએ કાઉન્સેલિંગ દરમિયાન કબૂલાત કરી.
- ૧૮૧ અભયમ ટીમે પરિવારનું કાઉન્સેલિંગ કરી કિશોરીને સુરક્ષિત માતાને સોંપી, પરિવારે આભાર માન્યો.
મોડી રાત્રે અજાણી કિશોરી બાબતે ૧૮૧ ટીમમાં આવ્યો કોલ
અમરેલી શહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક આશરે ૧૬ વર્ષની અજાણી યુવતી બસ સ્ટેન્ડ જવા માટે લોકો પાસે મદદ માંગી રહી છે. ઘટનાની ગંભીરતા સમજીને ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર પૂનમ ભુવા, મહિલા ગ્રામ રક્ષક દળ વનિતાબેન અને પાયલોટ હાર્દિકભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાગૃત નાગરિકે કિશોરીને સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખી હતી, જેથી કોઈ અણબનાવ ન બને.
ઓળખ પત્રની ચકાસણીમાં કિશોરીની પોલ ખુલી
અભયમ ટીમે સ્થળ પર પહોંચીને કિશોરી સાથે પ્રાથમિક વાતચીત હાથ ધરી હતી. શરૂઆતમાં કિશોરીએ જણાવ્યું હતું કે તે રાજસ્થાનના જયપુરથી પોતાના મિત્રો સાથે ફરવા આવી હતી અને હાલમાં એકલી પડી ગઈ છે. જોકે, કાઉન્સિલરને તેની વાતમાં સંતોષ ન જણાતાં વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું ઓળખ પત્ર ચકાસવામાં આવ્યું હતું. ઓળખ પત્રની વિગતો પરથી જાણવા મળ્યું હતું કે કિશોરી અમરેલીની જ વતની છે અને તે ખોટું બોલી રહી છે.
માતાના ઠપકાથી માઠું લાગતાં ઘરેથી નીકળી ગઈ હતી
સત્ય સામે આવ્યા બાદ અભયમ ટીમે પ્રેમપૂર્વક અને સઘન પૂછપરછ કરતાં કિશોરીએ સાચી હકીકત જણાવી હતી. તેણે સ્વીકાર્યું હતું કે તે તેના પરિવાર સાથે અહીં જ રહે છે, પરંતુ તેની માતાએ ઘરકામ બાબતે તેને ઠપકો આપ્યો હતો. માતાના બોલવાનું માઠું લાગી આવતાં તે ઘરે કોઈને પણ કહ્યા વગર મોડી રાત્રે નીકળી ગઈ હતી.
યોગ્ય કાઉન્સેલિંગ બાદ કિશોરીને માતાને સોંપવામાં આવી
ત્યારબાદ ૧૮૧ની ટીમે કિશોરીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને તેની માતા સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઘરનું સરનામું મેળવીને અભયમ ટીમ કિશોરીને લઈને તેના ઘરે પહોંચી હતી. કિશોરીના માતાએ જણાવ્યું હતું કે તેઓ બંને સૂઈ ગયા હોવાથી દીકરી ક્યારે ઘરેથી નીકળી ગઈ તેની તેમને ખબર રહી નહોતી. અભયમ ટીમે કિશોરી અને તેની માતાનું યોગ્ય કાઉન્સેલિંગ કરી, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે અંગે જરૂરી સમજણ આપી હતી. સુરક્ષિત રીતે દીકરીનો કબજો મળતાં માતાએ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: મહેશભાઈ જળું
