મુખ્ય હાઇલાઇટ્સ:
- ગાંધીનગર મહાનગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો શુભારંભ.
- વોર્ડ નંબર ૧૧ માં મતદાન મથકમાં પ્રવેશ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને; ઉગ્ર માથાકૂટ.
- વાવોલના વોર્ડ નંબર ૬ માં મતદાન મથકની બહાર ટેન્ટ લગાવવા બાબતે બે જૂથો વચ્ચે હોબાળો.
- ૧૦૦૦ થી વધુ પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત; ૨.૫૯ લાખ મતદારો ૧૩૦ ઉમેદવારોના ભાવિનો કરશે નિર્ણય.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બે સ્થળોએ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિવાદ
ગાંધીનગર મહાનગરપાલિકાની ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો માટે આયોજિત ચૂંટણીમાં સવારે ૭ વાગ્યાથી જ તમામ ૨૯૫ બૂથો પર ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થયું હતું. શરૂઆતના તબક્કામાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે બપોરના સમયે બે અલગ-અલગ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટની ઘટનાઓ સામે આવતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.
વોર્ડ ૧૧ માં ગેરકાયદે પ્રવેશ અને વાવોલમાં છત્રી લગાવવા મુદ્દે હોબાળો
મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર ૧૧ ના એક મતદાન મથક પર કોંગ્રેસના કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો દ્વારા મતદાન મથકની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે બંને પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા અને ઉગ્ર બબાલ થઈ હતી. બીજી તરફ, વાવોલ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૬ માં મતદાન મથકની બહાર પોતાના પક્ષનો ટેન્ટ (છત્રી) ગોઠવવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મોટો હોબાળો મચ્યો હતો. બંને ઘટનાઓની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ત્વરિત સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૨.૫૯ લાખ મતદારો નોંધાવશે મતાધિકાર
ઘટના સંદર્ભે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે ૧ એસપી, ૬ ડીવાયએસપી, ૨૦ પીઆઈ અને ૬૦ પીએસઆઈ સહિત ૧૦૦૦ થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. વાવોલ ખાતે સામાન્ય માથાકૂટ બાદ તુરંત જ વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. હાલ તમામ બૂથો પર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગાંધીનગરના કુલ ૨.૫૯ લાખ મતદારો ૧૩૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો ઈવીએમ (EVM) માં કેદ કરશે, જ્યારે આ તમામ ઉમેદવારોના કિસ્મતની મતગણતરી તા. ૧૩ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
