મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લાના સ્પા અને મસાજ પાર્લરો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
- ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કરાયા.
- સ્પા સંચાલકો, કર્મચારીઓ અને ગ્રાહકોની વિગતો તેમજ આઈડી પ્રૂફ સંબંધિત પોલીસ સ્ટેશને આપવા ફરજિયાત.
- રિસેપ્શન અને કોમન એરિયામાં ૩૦ દિવસના રેકોર્ડિંગ ધરાવતા સીસીટીવી કેમેરા રાખવા આદેશ, ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
અમરેલી જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલો આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો છે.
કર્મચારીઓ અને માલિકોની તમામ વિગતો પોલીસ સ્ટેશને આપવી પડશે
નવા આદેશ મુજબ, અમરેલી જિલ્લાના તમામ વિસ્તારમાં આવેલા સ્પા અને મસાજ પાર્લરના માલિકો તેમજ સંચાલકોએ પોતાના નામ, સરનામા, મોબાઈલ નંબર ઉપરાંત કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો, ફોટોગ્રાફ્સ, ઓળખકાર્ડના પુરાવા અને ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત જો ભાગીદારીમાં બિઝનેસ હોય તો પાર્ટનરનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા ફરજિયાત બનાવાયા છે.
૩૦ દિવસનું સીસીટીવી રેકોર્ડિંગ અને ગ્રાહકોના રજિસ્ટરની કડક જોગવાઈ
જાહેરનામા અનુસાર, સ્પા અને મસાજ પાર્લરના રિસેપ્શન તથા કોમન એરિયામાં ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે, જેમાં ઓછામાં ઓછું ૩૦ દિવસનું રેકોર્ડિંગ જળવાઈ રહેવું જોઈએ અને જરૂર પડ્યે આ રેકોર્ડિંગ પોલીસ સ્ટેશને પૂરું પાડવું પડશે. આ ઉપરાંત મિલકત પોતાની હોય તેના પુરાવા અથવા ભાડા કરારની નકલ જમા કરાવવી પડશે. સ્પામાં આવતા તમામ ગ્રાહકોનું આઈડી પ્રૂફ મેળવી રજિસ્ટર નિભાવવું અને તે વિગતો કાગળ પર લખીને પોલીસ સ્ટેશને જમા કરાવવી ફરજિયાત રહેશે.
૨૭ સપ્ટેમ્બર સુધી અમલ, ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આ જાહેરનામાનો આદેશ તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલી રહેશે. જો કોઈ સ્પા કે મસાજ પાર્લરના માલિક અથવા સંચાલક દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે અથવા તો બેદરકારી દાખવવામાં આવશે, તો તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈઓ અન્વયે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
