મુખ્ય હાઇલાઇટ્સ:
- સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં બાહેલાપરા અને શાક માર્કેટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતાં વેપારીઓ અને રાહદારીઓ ત્રસ્ત.
- છેલ્લા ૩૦ વર્ષથી ચાલતી ગટરની સમસ્યાથી દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રાહકો ન આવતાં વેપાર-ધંધા પર પડી પ્રતિકૂળ અસર.
- શાકભાજીના કચરાનો પાલિકા દ્વારા સમયસર નિકાલ ન કરાતાં અને અનિયમિત પાણી વિતરણથી સમસ્યા બની વધુ વિકટ.
- સ્થાનિકો અને વેપારીઓ દ્વારા પાલિકા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં ભભૂકતો રોષ.
લીંબડી શાક માર્કેટ અને બાહેલાપરા વિસ્તારમાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના મુખ્ય અને ભીડભાડવાળા ગણાતા બાહેલાપરા વિસ્તારમાં આવેલા સરોવરીયા હનુમાનજી મંદિર ચોક તેમજ શાક માર્કેટના આગળ અને પાછળના ભાગે ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ વિસ્તારમાં સતત રસ્તા પર ફરી વળતા ગટરના ગંદા પાણી અને વાસ મારતી દુર્ગંધના કારણે સ્થાનિક વેપારીઓ, ગ્રાહકો તેમજ ત્યાંથી પસાર થતાં રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા ૩૦ વર્ષથી યથાવત સમસ્યા, વેપાર-ધંધા પર પ્રતિકૂળ અસર
સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહી છે. અગાઉ અઠવાડિયામાં બે વાર ગટર ઉભરાતી હતી, પરંતુ હાલના સમયે અવારનવાર એકાંતરે ગટરના દૂષિત પાણી રસ્તા પર વહેવા લાગે છે. ચો તરફ ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે વેપારીઓ માટે દુકાનોમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. ગંદકીના કારણે ગ્રાહકો ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યા છે, જેના પરિણામે રોજીંદા વેપાર-ધંધા પર ખૂબ જ માઠી અસર પડી રહી છે.
પાલિકા તંત્રની નિષ્ક્રિયતા અને અનિયમિત પાણી વિતરણથી રોષ
સ્થાનિકોના આક્ષેપ મુજબ, શાકભાજીના વેપારીઓ દ્વારા રસ્તા પર ફેંકવામાં આવતો કચરો પાલિકા દ્વારા સમયસર સાફ કરવામાં આવતો નથી, જેથી આ કચરો ગટરોમાં ભરાઈને બ્લોકેજ ઊભું કરે છે. આ ઉપરાંત, પાલિકા દ્વારા બપોરે બે વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી કરવામાં આવતાં અનિયમિત પાણી વિતરણના કારણે વધારાનું પાણી ગટરો મારફતે બહાર આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વેપારીઓ દ્વારા પાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
