મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરી ૭ આઇએએસ અધિકારીઓના બદલી-બઢતીના આદેશ છૂટ્યા.
- ૪ આઇએએસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી, જ્યારે ૩ ઉચ્ચ અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ.
- રાજકુમાર બેનીવાલની સુરત મહાનગરપાલિકા (એસએમસી) ના નવા કમિશનર તરીકે કરવામાં આવી નિમણૂક.
- રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આ તમામ બદલીના આદેશો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા.
ગુજરાત વહીવટી તંત્રમાં રાજ્ય સરકારનો મોટો ફેરબદલ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સરકારી વહીવટી માળખામાં મોટો પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના સચિવાલય અને વિવિધ વિભાગોના સુચારુ સંચાલન માટે સરકારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને કુલ ૭ આઇએએસ અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જના હુકમો કર્યા છે. આ વહીવટી ફેરફાર હેઠળ ૪ આઇએએસ અધિકારીઓની નવી જગ્યાઓ પર બદલી કરવામાં આવી છે, જ્યારે ૩ આઇએએસ અધિકારીઓને પોતાના મૂળ હોદ્દા સાથે અન્ય મહત્વપૂર્ણ વિભાગોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ચાર આઇએએસ અધિકારીઓની નવી જગ્યા પર બદલી કરાઈ
બદલી પામેલા અધિકારીઓમાં રાજેશ માંજુને સ્ટેમ્પ્સ અને રજીસ્ટ્રેશન વિભાગના મહત્વના પદ પર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકુમાર બેનીવાલની સુરત મહાનગરપાલિકા (એસએમસી) ના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના વડા તરીકે રચિત રાજની પસંદગી કરાઈ છે, જ્યારે હર્ષિલ આર. મીનાને મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ત્રણ સનદી અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ
વધારાનો ચાર્જ મેળવનારા અધિકારીઓમાં સંજીવ કુમારને જીએનએફસી ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકેનો વધારાનો પદભાર સોંપાયો છે. આ સિવાય જેનુ દેવાનને મહેસૂલ નિરીક્ષણ વિભાગની વિશેષ જવાબદારી અપાઈ છે અને રેમ્યા મોહનને શહેરી વિકાસ વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગાંધીનગરથી જારી કરાયેલા આ તમામ બદલી અને વધારાના ચાર્જના આદેશોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
