મુખ્ય હાઇલાઇટ્સ:
- ધંધૂકા અને ધોલેરા તાલુકાના ખેડૂતો તથા ઉત્પાદક સંગઠનના સભ્યો માટે વિશેષ સેમિનાર યોજાયો.
- ભારતની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. સી. કે. ટીંબડીયા રહ્યા મુખ્ય વક્તા.
- ઓછી ખર્ચાળ ખેતી, જમીનની ફળદ્રુપતા અને આવક વધારવાના વૈજ્ઞાનિક અભિગમ અંગે અપાયું માર્ગદર્શન.
- એપીએમસીના ચેરમેન, જિલ્લાના કૃષિ અધિકારીઓ અને યુવા ખેડૂતો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત.
ધંધૂકા એપીએમસી હોલ ખાતે સેમિનારનું સફ્ળ આયોજન
અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ના હોલ ખાતે ધંધૂકા અને ધોલેરા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ ખેડૂત ઉત્પાદક સંગઠન (એફપીઓ) ના સભ્યો માટે એક વિશેષ પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વાળવાનો અને તેમની આવકમાં વધારો કરવાનો હતો.
તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન
આ પ્રસંગે ભારતની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. સી. કે. ટીંબડીયાએ મુખ્ય માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમ, ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિઓ, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો અને ખેડૂતોની આવક બમણી કરવાના વિવિધ પાસાઓ પર વિસ્તૃત અને અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.
અગ્રણીઓ અને ખેડૂતોની બહોળી ઉપસ્થિતિ
આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ જિલ્લા પ્રાકૃતિક કૃષિ સંગઠનના સહ-સંયોજક મનહરસિંહ રાણા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ધંધૂકા એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રોજેક્ટ ડિરેક્ટર બી. એ. પટેલ, અમદાવાદ જિલ્લા એસપીએનઈ સંયોજક ગજેન્દ્રસિંહ વાઘેલા, એસપીએનએફ કંપનીના સીઈઓ મનુભાઈ પરમાર, ધંધૂકા તાલુકા ખેતી વિસ્તરણ અધિકારી જે. બી. ઠાકોર, આત્મા પ્રોજેક્ટના કુલદીપ જાદવ તેમજ વિવિધ ગ્રામસેવકો અને ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ધંધૂકા અને ધોલેરા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ સખીઓ, સીઆરપી અને યુવા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
