મુખ્ય હાઇલાઇટ્સ:
- ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર એસડી પે કૌભાંડ સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી.
- કેસનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ધવલ પટેલ ઓડિશાથી ઝડપાયો; માર્કેટિંગ સંભાળતા ભાવેશ ધનેચા સહિત અત્યાર સુધીમાં કુલ ૯ આરોપીઓની ધરપકડ.
- ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી ‘એસડી પે’ અને ‘અપના પે’ જેવી એપ્સ દ્વારા દેશભરના રોકાણકારોને કરોડોનો ચૂનો ચોપડ્યો.
- પોલીસે શેલ કંપનીઓ અને બેંક ખાતાઓ ફ્રીઝ કરાવ્યા; ભોગ બનનાર નાગરિકો માટે ઓનલાઈન ફોર્મ જાહેર કર્યું.
ઓસ્ટ્રેલિયાથી પરત આવી બનાવી નકલી ફિન્ટેક એપ્લિકેશન
મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની ગુલાબી લાલચો આપીને સમગ્ર ગુજરાત સહિત દેશભરના લાખો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા સંગઠિત સાયબર કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના સીધા માર્ગદર્શન હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એ આંતરરાજ્ય સઘન તપાસ હાથ ધરીને કૌભાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડ ધવલ પટેલને છેક ઓડિશા રાજ્યમાંથી ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ધવલ પટેલ અગાઉ ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ત્યાંથી ફિન્ટેક એપ્લિકેશનના મોડેલની નકલ કરીને કોઈપણ કાયદેસર બેંકિંગ કે નાણાકીય મંજૂરી વિના ‘એસડી પે’ અને ‘અપના પે’ જેવી એપ્સ તૈયાર કરાવી હતી.
ચેઈન સિસ્ટમ થકી કરોડોનું ફ્રોડ અને ૯ આરોપીઓની ધરપકડ
આ એપ્લિકેશન્સમાં ચેઈન સિસ્ટમ થકી ઊંચા દૈનિક વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા. આ કેસમાં ઓનલાઈન ઝૂમ મીટિંગો અને માર્કેટિંગ સંભાળતા ભાવેશ ધનેચા તેમજ સાથીદાર હિરેન શાહ સહિત અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય પ્રમોટર નરેન્દ્રસિંહ સોલંકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. ગુનો નોંધાયા બાદ પણ આરોપીઓ સોશિયલ મીડિયા પર ભ્રામક ઓડિયો વાયરલ કરી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા.
બેંક ખાતાઓ ફ્રીઝ અને ભોગ બનનારાઓ માટે ઓનલાઈન ફોર્મ જાહેર
અમરેલી એસઆઈટી ટીમે આરોપીઓ પાસેથી મોટી રકમની રોકડ રકમ કબ્જે કરી છે અને કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી શેલ કંપનીઓ તેમજ વિવિધ બેંક ખાતાઓ ફ્રીઝ કરાવીને તેમની મિલકતોની તપાસ શરૂ કરી દીધી છે. આ કૌભાંડમાં ભોગ બનનારા તમામ લોકો પોતાની વિગતો ઘરેબેઠાં નોંધાવી શકે તે માટે અમરેલી પોલીસ દ્વારા પોતાના સત્તાવાર પેજ પર ત્રિભાષી ઓનલાઈન ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અહેવાલ ફારૂક બિલખીયા અમરેલી
