મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી બિલ્ડર્સ એસોસિએશન (ક્રેડાઈ અમરેલી) દ્વારા સીટી સર્વે મિલકતોના સત્તાપ્રકાર અંગે કલેક્ટરને લેખિત રજૂઆત.
- જૂની માલિકીની અને રજવાડા વખતની મિલકતોને દસ્તાવેજી પુરાવાના અભાવે ખોટી રીતે સત્તાપ્રકાર આપવામાં આવ્યાનો આક્ષેપ.
- ૨૫ વર્ષ જૂની રહેણાંક જમીનોને નીતિ-નિયમ મુજબ આપોઆપ જૂની શરતમાં ફેરવવા માગ.
- મુખ્યમંત્રી, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિત ક્રેડાઈ ગુજરાતને પણ પાઠવવામાં આવી નકલ.
સત્તાપ્રકારના ગૂંચવાયેલા પ્રશ્ને બિલ્ડર્સ એસોસિએશન મેદાને
અમરેલી શહેર અને સીટી સર્વે વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતોના સત્તાપ્રકાર અંગે સર્જાયેલી જટિલ પરિસ્થિતિના ઉકેલ માટે અમરેલી બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના વિવિધ પરિપત્રો અને ઠરાવોનો સંદર્ભ આપીને રજૂઆત કરવામાં આવી છે કે યોગ્ય પુરાવાના અભાવે અથવા તંત્રની ક્ષતિના કારણે અનેક માલિકીની મિલકતોને બી૧, બી૨, બી૩ અને બી૪ જેવા સત્તાપ્રકાર હેઠળ વર્ગીકૃત કરી દેવામાં આવી છે, જેના કારણે સામાન્ય મિલકતધારકો અને બિલ્ડરોને મોટી વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રજવાડા વખતની અને જૂની મિલકતોને ખોટી રીતે વર્ગીકૃત કરાયાનો આક્ષેપ
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સને ૧૯૫૦ કે ૧૯૬૦-૬૫ સુધીના દસ્તાવેજી વ્યવહારો ધરાવતી રજવાડા વખતની જૂની મિલકતો અથવા માલિકીની જગ્યાઓ પર સનદ કે જૂના પુરાવાઓ ન હોવાના કારણે હક્ક ચોકસી અધિકારીઓ દ્વારા માત્ર અનુમાનના આધારે આવી મિલકતોને ભાડાપટ્ટાની ગણીને સત્તાપ્રકાર આપી દેવાયા છે. તંત્ર પાસે પણ આ જમીનો ભાડાપટ્ટે આપ્યાના કોઈ કાગળો ન હોવા છતાં વહીવટી ઉદાસીનતાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત સને ૧૯૫૫ પહેલાના જૂના ગામતળની ચવ-રાવળા હક્કની મિલકતોને પણ યોજનાઓ હોવા છતાં કિરાયાપાત્ર કરવામાં આવતી નથી.
૨૫ વર્ષ જૂની જમીનોને જૂની શરતમાં ફેરવવા પરિપત્ર કરવાની માગ
સરકારના સપ્ટેમ્બર ૨૦૧૭ના ઠરાવનો ઉલ્લેખ કરતા રજૂઆતમાં જણાવાયું છે કે, રહેણાંક હેતુ માટે ફાળવાયેલી જમીનને ૨૫ વર્ષ પૂર્ણ થયા બાદ અને જો કોઈ શરતભંગ ન થયો હોય તો આવી જમીન આપોઆપ જૂની શરતમાં ગણવાની જોગવાઈ છે. આથી આવા કિસ્સાઓમાં પ્રીમિયમ અથવા નીતિ-નિયમ મુજબ કાર્યવાહી કરીને મિલકતોને સુગમ સત્તાપ્રકારમાં ફેરવી આપવા માટે સ્પષ્ટ ઠરાવ કે પરિપત્ર જાહેર કરવાની માગ કરાઈ છે. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ તેજસ જોશીને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.
અહેવાલ : મહેશભાઈ જળું
