મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજુલા ટાઉન વિસ્તારમાં બેફામ અને ગફલતભરી રીતે ઇનોવા કાર ચલાવનાર ચાલક સામે કડક કાનૂની કાર્યવાહી.
- બસ સ્ટેશન સામે મોટરસાયકલને અડફેટે લીધા બાદ ફરાર થયેલા કારચાલકની સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જાગી હતી.
- રાજુલા પોલીસ અને ૧૧૨ ની ટીમે ૪૦ કિલોમીટર સુધી પીછો કરીને ઇનોવા કારને આંતરી.
- દુર્લભનગરના ૨૪ વર્ષીય ચાલક પ્રદીપ ધાખડા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ.
રાજુલા બસ સ્ટેશન પાસે મોટરસાયકલને અડફેટે લઈ કારચાલક ફરાર થયો
અમરેલી જિલ્લાના રાજુલા ટાઉન વિસ્તારમાં બેદરકારીથી માનવ જિંદગી જોખમાય તે રીતે પુરપાટ ઝડપે કાર હંકારી અકસ્માત સર્જનાર ચાલક સામે રાજુલા પોલીસે લાલ આંખ કરી છે. રાજુલા બસ સ્ટેશનની સામેથી મોડી રાત્રે એક ઇનોવા ફોરવ્હીલ કારનો ચાલક અત્યંત બેફામ અને ગફલતભરી રીતે કાર ચલાવીને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કારચાલકે રોડ પર જઈ રહેલા એક મોટરસાયકલને જોરદાર અડફેટે લીધું હતું. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકો એકઠા થાય તે પહેલાં જ કારચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગેના વિડીયો અને ન્યૂઝ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા.
પોલીસે ૪૦ કિલોમીટર સુધી પીછો કરી ઇનોવા કારને આંતરી લીધી
વાહન અકસ્માતના ગંભીર બનાવો અટકાવવા માટે ભાવનગર રેન્જના આઈ.જી. આર.વી. અસારી, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા દ્વારા અપાયેલી કડક સૂચનાઓ અનુસાર રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ ટીમ તેમજ ૧૧૨ નાઈટ પેટ્રોલીંગની ટીમે ત્વરિત હરકતમાં આવીને ભાગી છૂટેલી ઇનોવા કારનો ફિલ્મી ઢબે આશરે ૪૦ કિલોમીટર જેટલો લાંબો પીછો કર્યો હતો. આખરે પોલીસે વાહનને આંતરીને પકડી પાડ્યું હતું.
દુર્લભનગરના ૨૪ વર્ષીય કારચાલકની અટકાયત, ગુનો દાખલ
પોલીસે ઇનોવા કાર (રજિસ્ટ્રેશન નંબર: જી.જે.-૧૪-એ.ટી.-૦૨૫૨) ને રોકીને તપાસ કરતા કારચાલક પ્રદીપ મંગળુભાઈ ધાખડા (ઉંમર વર્ષ ૨૪, ધંધો – ડ્રાઇવિંગ, રહેવાસી – દુર્લભનગર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી) ની ઓળખ થઈ હતી. પોલીસે કારચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે ૪૦ કિલોમીટર સુધી પીછો કરીને અકસ્માત સર્જનારને દબોચી લેવાની રાજુલા પોલીસની આ સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી છે.
અહેવાલ ફારૂક બીલખિયા અમરેલી
