મુખ્ય હાઇલાઇટ્સ:
- મવડી ચોક પાસે રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં આવેલ સ્પામાં મસાજના નામે ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ.
- એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ડમી ગ્રાહક મોકલી હાથ ધરાઈ દરોડાની કડક કાર્યવાહી.
- સ્પામાંથી ૪ યુવતીઓને મુક્ત કરાવાઈ; એક આરોપીની અટકાયત, જ્યારે મુખ્ય સંચાલક સહિત અન્ય વોન્ટેડ.
- અનૈતિક વ્યાપાર નિવારણ કાયદા (ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ) હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ.
મવડી ચોક પાસે સ્પાની આડમાં ચાલતા કૂંટણખાના પર પોલીસનો દરોડો
રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના નેટવર્કને નાથવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અતિરિક્ત પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) ભરત બી. બસીયાની સૂચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મવડી ચોક નજીક રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે ‘મૂન લાઇફ ફેમિલી વેલનેસ સ્પા’ માં સ્પાની આડમાં કૂંટણખાનું ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવી, ૪ યુવતીઓને મુક્ત કરાવાઈ
બાતમીની સત્યતા ચકાસવા માટે એ.એચ.ટી.યુ. ની ટીમ દ્વારા પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. સ્પાના સંચાલકો ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી પેટે રૂ. ૧૦૦૦ રોકડા અને એક્સ્ટ્રા સર્વિસના નામે રૂ. ૨૫૦૦ અલગથી લઈને યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું હતું. ઈશારો મળતાં જ પોલીસે દરોડો પાડીને સ્પાની આડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મજબૂરીનો ભોગ બનેલી ૪ યુવતીઓને કુટણખાનામાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.
એક આરોપી પકડાયો, બે સામે કાર્યવાહી; રૂ. ૯,૦૦૦ નો મુદ્દામાલ કબજે
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આરોપી હર્ષ જયેન્દ્રભાઈ રાજદેવ (ઉંમર વર્ષ ૨૨, રહે. સંતકબીર રોડ, રાજકોટ) ની ધરપકડ કરી છે, જ્યારે તેનો ભાઈ ધ્રુવ જયેન્દ્રભાઈ રાજદેવ અને અલ્કાબેન સામે ગુનો નોંધી તેમની શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કલમ ૩, ૪ અને ૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. પડિયાર, પી.એસ.આઈ. એસ.પી. ચૌહાણ તથા તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી.
અહેવાલ: ફારૂક બિલખિયા
