મુખ્ય હાઇલાઇટ્સ:
- સ્થિતિ: બાવળા-બગોદરા હાઇવે પર ચોમાસાની શરૂઆતમાં જ ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા.
- જોખમ: ખાડાઓના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.
- તંત્રની નિષ્ફળતા: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવાના નામે માત્ર કપચી નાખી વેઠ ઉતારાઈ રહી છે.
- બ્રિજની હાલત: હાઇવે પર આવેલા ઓવરબ્રિજ અને તેના એપ્રોચ રસ્તાઓ પર પણ બિસ્માર હાલત.
- લોકરોષ: નેતાઓ અને લોકપ્રતિનિધિઓની નિષ્ક્રિયતા સામે પ્રજામાં અને વાહનચાલકોમાં ભારે આક્રોશ.
- મુખ્ય માંગ: હાઇવેનું વહેલી તકે ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ કરવામાં આવે.
ઓવરબ્રિજ અને એપ્રોચ રોડ પર મસમોટા ખાડા પડતાં અકસ્માતનો ભય, પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્ર સામે લોકરોષ ચરમસીમાએ
બાવળા તાલુકાના બગોદરા ધોરીમાર્ગ પર ચોમાસાની શરૂઆતમાં જ પડેલા સામાન્ય વરસાદમાં રસ્તાઓની બિસ્માર હાલત છતી થઈ ગઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તકના આ મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં વાહનચાલકો માટે અત્યંત જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. આ હાઇવે પરથી રોજબરોજ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો પસાર થતા હોવા છતાં આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પ્રજાના પ્રશ્નો અંગે ઉપર સુધી રજૂઆત કરવાનો નેતાઓ પાસે સમય જ નથી તેવો કડવો પ્રશ્ન આમ જનતા પૂછી રહી છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રવાહકોને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં સ્થિતિ ‘જૈસે થે’ રહી છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તંત્ર દ્વારા ખાડા પુરવાના નામે માત્ર કપચી નાખીને વેઠ ઉતારવામાં આવે છે. આ કપચી પણ ભારે વાહનોની સતત અવરજવરના કારણે થોડા જ દિવસોમાં ગાયબ થઈ જાય છે, જેથી પરિસ્થિતિ ફરીથી બગડી જાય છે.
ઓવરબ્રિજના એપ્રોચ રોડ પર પણ ખરાબ હાલત, ટ્રાફિકજામની સમસ્યા
હાલમાં વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેના લીધે હાઇવે પર વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. બગોદરાથી બાવળા થઈ અમદાવાદ જતા માર્ગ પર ઉપરાંત વિવિધ ઓવરબ્રિજ અને તેના એપ્રોચ રસ્તાઓ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડા યોગ્ય રીતે પૂરી રસ્તો સમથળ કરવાની કોઈ દરકાર લેવામાં આવતી નથી. તંત્રની આ ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકમાગણી ઉઠી છે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે સરકારમાં ધારદાર રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
