મુખ્ય હાઇલાઇટ્સ:
- સ્થળ અને સમય: બરવાળા-ખમીદાણા રોડ પર નેસડીયા હનુમાનજી મંદિર નજીક નવયુગ વિદ્યાલય પાસે, મંગળવારે વહેલી સવારે.
- અકસ્માતનું કારણ: સ્પીડ બ્રેકર પર ટ્રક ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોંગ સાઈડમાં પલ્ટી માર્યો.
- મૃતકો: રમેશભાઈ હરજીભાઈ સારોલા અને બાબુભાઈ હરજીભાઈ સારોલા (બંને સગા ભાઈઓ, રહે. બરવાળા).
- ઈજાગ્રસ્તો: સંજયભાઈ ગીધાભાઈ રાઠોડ, મહીપતભાઈ ગોવિંદભાઈ મકવાણા અને વિજયભાઈ ગીધાભાઈ રાઠોડ.
- રેસ્ક્યૂ કામગીરી: સિમેન્ટની થેલીઓ નીચે દબાયેલા શ્રમિકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
- પોલીસ કાર્યવાહી: બરવાળા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સ્પીડ બ્રેકર પર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક રોંગ સાઈડમાં પલટી ગયો, સિમેન્ટની થેલીઓ નીચે દબાયેલા મજૂરોને જેસીબી વડે બહાર કાઢવામાં આવ્યા
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં બરવાળા-ખમીદાણા રોડ પર આવેલી નવયુગ વિદ્યાલય નજીક મંગળવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા ટ્રકના ચાલકે પુરઝડપે વાહન હંકારી સ્પીડ બ્રેકર પર સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ દિલધડક અકસ્માતમાં ટ્રકમાં સવાર બે સગા ભાઈઓના સિમેન્ટની થેલીઓ નીચે દબાઈ જવાથી કમકામાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બરવાળા વિસ્તારના ખરામાં રહેતા મહીપતભાઈ ગોવિંદભાઈ મકવાણા, રમેશભાઈ હરજીભાઈ સારોલા, બાબુભાઈ હરજીભાઈ સારોલા, વિજયભાઈ ગીધાભાઈ રાઠોડ અને સંજયભાઈ ગીધાભાઈ રાઠોડ – આ પાંચેય શ્રમિકો ટ્રકમાં સિમેન્ટની થેલીઓ ભરીને તેને ઉતારવા માટે નીકળ્યા હતા. તેઓ ખમીદાણા તેમજ હેબતપુર જવા માટે બરવાળાથી નીકળી બરવાળા-ખમીદાણા વચ્ચે આવેલા નેસડીયા હનુમાનજી મંદિર પાસે સ્થિત નવયુગ વિદ્યાલય નજીક સવારના પોણા સાતેક વાગ્યાના સુમારે પહોંચ્યા હતા. આ સમયે રોડ પર આવેલા બમ્પ પરથી ટ્રક ચાલકે પૂરઝડપે વાહન પસાર કરવાનો પ્રયાસ કરતાં સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક રોડની રોંગ સાઈડમાં પલ્ટી મારી ગયો હતો.
જેસીબીની મદદથી મજૂરોને બહાર કઢાયા
ટ્રક પલ્ટી મારતા જ મહીપતભાઈ તાત્કાલિક કેબિનમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે કેબિનમાં બેઠેલા સંજયભાઈને હાથ તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ કેબિનની પાછળના ભાગે બેઠેલા બે સગા ભાઈઓ રમેશભાઈ હરજીભાઈ સારોલા અને બાબુભાઈ હરજીભાઈ સારોલા સિમેન્ટની ભારેખમ થેલીઓ નીચે દબાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જેસીબીની મદદથી સિમેન્ટની થેલીઓ ખસેડીને દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત પાંચેય શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ સારોલા અને બાબુભાઈ સારોલા બંને ભાઈઓનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બરવાળા પોલીસે આ બનાવ સંદર્ભે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
