મુખ્ય હાઇલાઇટ્સ:
- ધંધુકા શહેરને સ્વચ્છ બનાવવા નગરપાલિકા દ્વારા મુખ્ય બજારોમાં સઘન ચેકિંગ ઝુંબેશ.
- ચીફ ઓફિસર રાજુભાઈ મેર જાતે સ્વચ્છતા ટીમ સાથે સ્થળ પર હાજર રહ્યા.
- જાહેરમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા સામે દંડનાત્મક કાર્યવાહી.
- કુલ ૧૦ પાવતી ફાડી રૂ. ૩,૭૦૦નો દંડ વસૂલાયો અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું.
મુખ્ય બજારોમાં નગરપાલિકાનું સઘન ચેકિંગ અને વેપારીઓમાં ફાફડાટ
ધંધુકા શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવાના ઉદ્દેશથી ધંધુકા નગરપાલિકા દ્વારા આજે એક વિશેષ અને સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ મેર પોતે ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા. તેમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના બે સેનેટરી ઈન્સ્પેક્ટર, એક સ્વચ્છતા માર્શલ તેમજ સ્વચ્છ ભારત મિશનની ટીમે શહેરના મુખ્ય બજારો અને જાહેર વિસ્તારોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. નગરપાલિકાની ટીમનું આકસ્મિક ચેકિંગ જોઈને જાહેરમાં કચરો ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો.
સ્થળ પર દંડની વસૂલાત અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
નગરપાલિકાની ટીમ દ્વારા કડક દંડનાત્મક કાર્યવાહી કરતા જાહેરમાં ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બદલ કુલ ૧૦ પાવતીઓ ફાડીને સ્થળ પર જ રૂ. ૩,૭૦૦ની દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૫ જેટલા કિસ્સાઓમાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ૪ થી ૫ જેટલા ઈસમોને જાહેરમાં કચરો અને ગંદકી કરવા બદલ આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ
આ તકે ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરના તમામ નાગરિકો અને વેપારીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, શહેરમાં ક્યાંય પણ જાહેરમાં કચરો ફેંકવો નહીં અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો. જો કોઈ નાગરિક કે વેપારી નિયમોનો અનાદર કરશે તો આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક દંડનાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. “સ્વચ્છ ધંધુકા, સ્વસ્થ ધંધુકા”ના સંકલ્પ સાથે નગરપાલિકા તંત્ર દ્વારા આ ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
