મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ૭ દિવસમાં દર્દીઓનો ભારે ઉછાળો, ૧૫,૪૩૯ દર્દીઓએ લીધી સારવાર.
- ચોમાસાના ભેજવાળા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના ૧૪૦ અને મેલેરિયાના ૧૪ કેસ નોંધાયા.
- વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા વધ્યા, હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના ૯ દર્દીઓ નોંધાતાં આરોગ્ય તંત્ર સતર્ક.
- ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને કમળા જેવા પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો, હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરાઈ.
સોલા સિવિલમાં ૭ દિવસમાં ૧૫ હજારથી વધુ દર્દીઓ નોંધાયા
અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાની સાથે જ વાયરલ અને મચ્છરજન્ય રોગચાળો ભારે વકર્યો છે. સતત ભેજવાળા વાતાવરણ અને ઠેર-ઠેર પાણીના ભરાવાના કારણે શહેરમાં વાયરલ તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બાહ્ય દર્દી વિભાગ (ઓપીડી) માં ભારે ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલના સત્તાવાર આંકડા અનુસાર, ૧૭ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ સુધીના માત્ર સાત જ દિવસના ટૂંકા ગાળામાં ૧૫,૪૩૯ દર્દીઓ સારવાર અર્થે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઊભરાઈ ગયું છે.
ડેન્ગ્યુના ૧૪૦ કેસ અને સ્વાઇન ફ્લૂ વધતાં તબીબો એલર્ટ મોડ પર
સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ પ્રમાણ મચ્છરજન્ય અને વાયરલ રોગોનું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ હોસ્પિટલમાં ડેન્ગ્યુના આશ્ચર્યજનક રીતે ૧૪૦ કેસો સામે આવ્યા છે, જ્યારે મેલેરિયાના ૧૪ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના કારણે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયા દરમિયાન સ્વાઇન ફ્લૂના ૯ નવા દર્દીઓ પ્રકાશમાં આવતાં તબીબો અને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
દૂષિત પાણીથી પાણીજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો
મચ્છરજન્ય અને વાયરલ રોગોની સાથોસાથ દૂષિત પાણી અને ખોરાકના સેવનને કારણે થતા પાણીજન્ય રોગોના દર્દીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. સાત દિવસના આંકડા મુજબ ઝાડા-ઉલટીના ૫૨ કેસ, ટાઇફોઇડના ૪ કેસ તેમજ કમળાના લક્ષણો ધરાવતા હેપેટાઇટિસ બી ના ૨ અને હેપેટાઇટિસ ઈ નો ૧ કેસ નોંધાયો છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા અને સાવચેતીની અપીલ
રોગચાળાના વધી રહેલા વ્યાપને ધ્યાન ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સમયસર અને યોગ્ય સારવાર માટે વિશેષ વોર્ડ તથા તબીબી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પોતાના ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવા, મચ્છરોથી બચાવ કરવા અને પીવાનું પાણી ઉકાળીને વાપરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
