મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં રેન્જ ટીમનો સફળ દરોડો.
- ‘ડોઘલુ તળાવ’ના કાંઠે ખરાબાની જગ્યામાં ચાલતી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડાઈ.
- ૬૨૦ લિટર દેશી દારૂ, ૪૦૦૦ લિટર આથો અને સાધનો મળી કુલ રૂ. ૨,૦૮,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત.
- રેઇડ દરમિયાન હાજર ન મળી આવેલ ભવાનીગઢના આરોપી હસમુખ દેકાવાડિયા સામે મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ.
રાજકોટ રેન્જ પોલીસની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી
રાજકોટ રેન્જ હસ્તકના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક (ડીઆઈજી) નિર્લિપ્ત રાય દ્વારા આપેલી વિશેષ સૂચનાના આધારે રાજકોટ રેન્જ પોલીસે મોટી સફળતા મેળવી છે. મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભવાનીગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડીને કુલ રૂપિયા ૨,૦૮,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
‘ડોઘલુ તળાવ’ના કાંઠેથી ચાલુ ભઠ્ઠી પર દરોડો
આ સફળગીરી રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મયાત્રા, સી.એમ. કાંટિયા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. ટીમના કર્મચારીઓ યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ જોગરાણા, અજયવિરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ અને રાજુભાઈ પઢેરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભવાનીગઢ ગામની સીમમાં આવેલ ‘ડોઘલુ તળાવ’ના કાંઠે આવેલી ખરાબાની જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હાલતમાં મળી આવી હતી.
રૂ. ૨.૦૮ લાખથી વધુનો અઢળક મુદ્દામાલ જપ્ત, આરોપી સામે ગુનો નોંધી શોધોખોળ શરૂ
પોલીસે ઘટનાસ્થળેથી ૬૨૦ લિટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂપિયા ૧,૨૪,૦૦૦), ૪૦૦૦ લિટર દેશી દારૂનો ઠંડો આથો (કિંમત રૂપિયા ૮૦,૦૦૦) અને દારૂ બનાવવાના સાધનો (કિંમત રૂપિયા ૪,૧૦૦) મળીને કુલ રૂ. ૨,૦૮,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં ભવાનીગઢ ગામનો રહેવાસી આરોપી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડીયા દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની વિધિવત ફરિયાદ દાખલ કરાવીને તેને ઝડપી પાડવા આગળની ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
