મુખ્ય હાઇલાઇટ્સ:
- જેતપુરના ઈકબાલમીયા કાદરીના રાજકોટ નાગરીક સહકારી બેંક એકાઉન્ટમાંથી રૂ. ૪,૦૦,૦૦૦ ની ઓનલાઈન ઠગાઈ થઈ હતી.
- ઓનલાઈન ફરિયાદ બાદ વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાયેલા રૂ. ૨,૩૧,૪૬૯ પરત મેળવવા અરજદારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા.
- જેતપુર કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી તમામ ફ્રીઝ ખાતાઓમાંથી રકમ અનફ્રીઝ કરી ૧૦ દિવસમાં પરત આપવા હુકમ કર્યો.
- ફરિયાદી તરફે જેતપુરના મહિલા ધારાશાસ્ત્રી પારૂલ જી. સિંધવડ રોકાયેલા હતા.
રાજકોટ નાગરીક સહકારી બેંકમાંથી રૂ. ૪ લાખ ઉપડી જતાં નોંધાવી હતી ફરિયાદ
જેતપુર મુકામે રહેતા ઈકબાલમીયા અમીરમીયા કાદરી સાથે રૂ. ૪,૦૦,૦૦૦ ની સાયબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવી હતી. તેમના રાજકોટ નાગરીક સહકારી બેંકના ખાતામાંથી અચાનક રૂ. ૪,૦૦,૦૦૦ ની રકમ ઉપડી જતાં તેમને પોતાની સાથે ફ્રોડ થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે તેમણે તુરંત જાગૃતિ દાખવીને સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર સેલે તાત્કાલિક તપાસ હાથ ધરીને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર થયેલી રકમ આગળના વિવિધ બેંક એકાઉન્ટ્સમાં હોલ્ડ કરી ફ્રીઝ કરાવી હતી.
વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરાયેલા રૂ. ૨.૩૧ લાખ અનફ્રીઝ કરવાનો આદેશ
તપાસ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જામનગરના વિવિધ ખાતાઓમાં રૂ. ૫૦,૦૦૦, રૂ. ૬૪,૯૭૫ અને રૂ. ૬૪,૯૭૫, કોટક મહિન્દ્રા બેંકમાં રૂ. ૧૦,૭૦૮, એક્સિસ બેંકમાં રૂ. ૨૩,૩૮૮, બેંક ઓફ બરોડા જામનગરમાં રૂ. ૧૪,૪૨૩ તેમજ એચડીએફસી બેંક જામનગરમાં રૂ. ૩,૦૦૦ મળીને કુલ રૂ. ૨,૩૧,૪૬૯ ની રકમ અલગ-અલગ એકાઉન્ટમાં હોવાનું સામે આવ્યું હતું. આ તમામ રકમ ફરિયાદીના ઓનલાઈન રિપોર્ટના પગલે બેંકો દ્વારા ફ્રીઝ કરવામાં આવી હતી. આ રકમ પુનઃ મેળવવા માટે ઈકબાલમીયાએ પોતાના વકીલ મારફતે જેતપુર કોર્ટમાં કાયદેસરની અરજી દાખલ કરી હતી.
જેતપુર કોર્ટે ૧૦ દિવસમાં રકમ પરત જમા કરાવવા હુકમ કર્યો
જેતપુર કોર્ટમાં અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલી સબળ રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખીને નામદાર કોર્ટે તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેતપુર કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક સહિતના ફ્રીઝ થયેલા ખાતાઓને અનફ્રીઝ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ તમામ ફ્રીઝ રકમ આગામી ૧૦ દિવસની અંદર ફરિયાદી ઈકબાલમીયાના બેંક એકાઉન્ટમાં પરત જમા કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે જેતપુરના મહિલા ધારાશાસ્ત્રી પારૂલ જી. સિંધવડ રોકાયેલા હતા.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
