મુખ્ય હાઇલાઇટ્સ:
- કુલ જપ્ત મુદ્દામાલ: રૂપિયા ૧,૧૬,૦૦૦ નો મુદ્દામાલ પોલીસના કબજે.
- શું શું ઝડપાયું: ૭૦ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂપિયા ૧૪,૦૦૦), ૪૦૦૦ લીટર આથો (કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦) અને એક ઇલેક્ટ્રિક મોટર (કિંમત રૂપિયા ૨,૦૦૦).
- ઘટના સ્થળ: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવો નદીના કાંઠે આવેલા સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં.
- પોલીસ ટીમ: જિલ્લા પોલીસ વડાના આદેશથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત કાર્યવાહી.
- આરોપીઓ: ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મો સેલાભાઈ અને એક અજ્ઞાત મહિલા પોલીસને જોઈ નાસી છૂટ્યા.
ગુપ્ત બાતમીના આધારે નદી કાંઠે પોલીસનો દરોડો
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ અને અનિરૂધ્ધસિંહ ખેરને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવો નદીના કાંઠે આવેલા સ્મશાન પાસે જાહેરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. શીંગરખીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. જે. ગોહિલ તેમજ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. એ. રાયમા, કૃણાલસિંહ ઝાલા, ભરતભાઈ સભાડ અને મેહુલભાઈ મકવાણા સહિતની સમગ્ર ટીમ દ્વારા ઘટના સ્થળે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો.
મોટા પાયે મુદ્દામાલ જપ્ત, આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
પોલીસની આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી મોટા પાયે દેશી દારૂ બનાવવાનું કારસ્તાન પકડાયું હતું. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમતનો ૭૦ લીટર તૈયાર દેશી દારૂ, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો રૂપિયા ૧,૦૦,૦૦૦ ની કિંમતનો ૪૦0૦ લીટર આથો તેમજ આથો ખેંચવા માટે વપરાતી રૂપિયા ૨,૦૦૦ ની કિંમતની એક ઇલેક્ટ્રિક મોટર મળી કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ જપ્ત કરેલો સામાન કબજે લઈ ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મો સેલાભાઈ (રહેવાસી- નવી મોરવાડ, ચુડા) અને એક અજ્ઞાત મહિલા આરોપી પોલીસને જોઈને નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
