મુખ્ય હાઇલાઇટ્સ:
- ૪૨૯ સેમ્પલ જપ્ત: શહેરમાંથી કુલ ૪૨૯ એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા.
- ૧૫૩ સંસ્થાઓમાં ખામીઓ: તપાસ દરમિયાન ૧૫૩ જેટલી સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ગંભીર ખામીઓ જોવા મળી.
- ૮૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ: માનવ આરોગ્ય માટે નુકસાનકારક એવા ૮૦ કિલોગ્રામ જેટલા અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો.
- દૂધ વિતરણ કેન્દ્રો પર નજર: ડેરી અને દૂધ વિતરણ કરતી ૧૫ સંસ્થાઓ સહિત ઘી, તેલ અને મસાલાના સેમ્પલ લેવાયા.
ફોસ્કોરિશ એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણ અને નોટિસનો દોર
પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘ફોસ્કોરિશ’ એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની ૭૭ જેટલી સંસ્થાઓને કાયદેસરની નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર તપાસ દરમિયાન કુલ ૧૫૩ સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળી આવતા તમામ સામે કડક વહીવટી પગલાં ભરીને નોટિસ ફટકારવામાં આવી છે. ઓચિંતી કરાયેલી આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દૂધ, ઘી, તેલ અને મસાલાના સેમ્પલ લેવાયા
લોકોના રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા અલગ-અલગ સંસ્થાઓમાંથી દૂધ સહિત દૂધની બનાવટોના ૪૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાદ્યતેલ અને શુદ્ધ ઘીના ૧૩ સેમ્પલ, રોજના વપરાશમાં આવતા મરી-મસાલાના ૨૯ સેમ્પલ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના ૩૪૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ, શહેરમાંથી કુલ ૪૨૯ એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ મેળવીને આગળની તપાસ માટે મોકલી દેવાયા છે.
ડેરીઓ અને દૂધ વિતરણ કેન્દ્રો પર કડક તપાસ
સુરત શહેરમાં વહેલી સવારથી જ વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ સઘન તપાસનો દોર શરૂ કરાયો હતો. આવી ૧૫ જેટલી દૂધ વિતરણ કરતી સંસ્થાઓ અને ડેરીઓમાંથી દૂધના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને ચોક્કસ પૃથક્કરણ (ટેસ્ટિંગ) અર્થે પાલિકાની સેન્ટ્રલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં લેબમાંથી આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જે પણ સંસ્થા કે વેપારી દોષિત જણાશે, તેમની સામે કાયદાકીય કલમો હેઠળ વધુ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ : ફારૂકભાઈ બિલખિયા
