મુખ્ય હાઇલાઇટ્સ:
- ભ્રષ્ટાચાર પર પ્રહાર: વલસાડ નશાબંધી અને આબકારી કચેરીનો જુનિયર ક્લાર્ક અનિલભાઇ રણછોડભાઇ કાનાણી (ઉંમર વર્ષ ૩૪) લાંચ કેસમાં આબાદ ઝડપાયો.
- ડીકોય ઓપરેશન: લાંચની વ્યાપક ફરિયાદો ઉઠતા એસીબીએ પોતે જ જાગૃત નાગરિકના સહયોગથી નકલી અરજદાર ઊભો કરી સફળ છટકું ગોઠવ્યું હતું.
- રૂ. ૧૦,૦૦૦ની લાંચ રિકવર: લીકર પરમિટ કાઢી આપવાની લાલચે કચેરીની ગેલેરીમાં જ લાંચની રકમ સ્વીકારતા ક્લાર્ક પકડાયો અને પૂરેપૂરી રકમ રિકવર કરાઈ.
- પરમિટના નામે તોડબાજી: ઓફિસમાં લીકર પરમિટ માટે પાંચથી દસ હજાર રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની ગુપ્ત માહિતી સાચી સાબિત થઈ.
- ઉચ્ચ અધિકારીઓનું નેતૃત્વ: વલસાડ, ડાંગ અને સુરત એસીબીની ટીમે આઈપીએસ બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુનાનો પર્દાફાશ કર્યો.
દારૂની પરમિટ કાઢી આપવાના નામે વહીવટ ચાલતો હોવાની ગુપ્ત માહિતીના આધારે એસીબીએ ગોઠવ્યું ‘ડીકોય’ છટકું; સરકારી કચેરીની ગેલેરીમાં જ ક્લાર્ક આબાદ આબાદ પકડાયો
વલસાડ: રાજ્યમાં ભ્રષ્ટાચારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) એ લાલ આંખ કરી છે. વલસાડમાં દારૂબંધી અને આબકારી વિભાગની કચેરીમાં ચાલતા લાંચના મોટા ખેલનો એસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ ના જુનિયર ક્લાર્ક અનિલભાઇ રણછોડભાઇ કાનાણીને રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા એસીબીની ટીમે કચેરી પરિસરમાં જ દબોચી લીધો છે.
લીકર પરમિટ માટે પિયા પાંચથી દસ હજાર ઉઘરાવાતા હોવાની મળી હતી બાતમી
આ સફળ ઓપરેશનની વિગત એવી છે કે, વલસાડમાં આવેલી નશાબંધી અને આબકારી વિભાગની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ લીકર પરમિટ (દારૂ પીવાની મંજૂરી) કાઢી આપવાના અવેજ પેટે અરજદારો પાસેથી નિયમ વિરુદ્ધ રૂ. ૫,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચની માંગણી કરતા હોવાની આધારભૂત અને ગુપ્ત માહિતી એસીબીને મળી હતી. આ વ્યાપક ભ્રષ્ટાચારની હકીકતની ખરાઈ કરવા માટે વલસાડ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર.ગામીતે એક યોજનાબદ્ધ ‘ડીકોય’ (બનાવટી અરજદાર) છટકાનું આયોજન કર્યું હતું.
સરકારી ઓફિસની ગેલેરીમાં જ ખિસ્સું ગરમ કરવા જતા એસીબી ત્રાટકી
આ વિશેષ ઓપરેશનમાં સહકાર આપનાર એક જાગૃત નાગરિક (ડીકોયર) પાસે લીકર પરમિટ મેળવવા માટે સત્તાવાર અરજી કરાવવામાં આવી હતી. આ અરજી મંજૂર કરવાના બહાને કચેરીના જુનિયર ક્લાર્ક આરોપી અનિલ કાનાણીએ અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને પરમિટ કાઢી આપવાના બદલામાં રૂ. ૧૦,૦૦૦ની લાંચની સ્પષ્ટ માંગણી કરી હતી.
તા. ૦૭/૦૭/૨૦૨૬ના રોજ વલસાડના આશિષ બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી આબકારી કચેરીની ગેલેરીમાં જેવી આરોપીએ લાંચની રકમ સ્વીકારી, કે તરત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો. પોલીસે લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ, ડાંગ અને સુરત એસીબીની સંયુક્ત સફળ કામગીરી
આ સફળ કામગીરી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર.ગામીત તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક શ્રી આર.આર.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ટ્રેપનું માર્ગદર્શન લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક અને આઈપીએસ અધિકારી શ્રી બળદેવ દેસાઈ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનથી લાંચિયા સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ: મહેશભાઈ જળું
