મુખ્ય હાઇલાઇટ્સ:
- બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી પોલીસ.
- અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કૂલ ૨૦૬ બોટલો કિંમત રૂ. ૧,૮૧,૦૨૩ નો મુદ્દામાલ જપ્ત.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી એસપીના દારૂ-જુગાર મુક્ત ઝુંબેશ અંતર્ગત બાબરા પોલીસે પાડી રેડ.
- બાતમીના આધારે અંકિત ઉર્ફે તીસરી નામના શખ્સના મકાને રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
રેન્જ આઈજી અને અમરેલી એસપીની સૂચનાથી બાબરા પોલીસનું સફળ ઓપરેશન
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર. વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાંથી દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ વોચ ગોઠવી સફળ રેડ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને પગલે લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાની સૂચના મુજબ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર. આર. પરમારની રાહબરી હેઠળ પોલીસ ટીમ પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
મોટા દેવળીયામાં મકાનમાંથી વિદેશી દારૂની ૨૦૬ બોટલો મળી આવી
પેટ્રોલીંગ દરમિયાન બાબરા પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા દેવળીયા ગામે રહેતો અંકિતભાઈ ઉર્ફે તીસરી મનુભાઈ સાનેપરા પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સદર મકાન પર દરોડો પાડ્યો હતો. મકાનમાં તલાશી લેતાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
રૂ. ૧.૮૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધાયો
પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલી દારૂની બોટલોની ગણતરી કરતાં કૂલ ૨૦૬ નંગ બોટલ, જેની કુલ કિંમત રૂ. ૧,૮૧,૦૨૩/- થાય છે, તે તમામ પ્રોહીબિશન મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કર્યો હતો. દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવી છે.
અહેવાલ : જીજ્ઞેશ બારૈયા
