મુખ્ય હાઇલાઇટ્સ:
- આરોપીઓ: ૧. સંજયભાઇ પ્રતાપભાઇ કમેજળીયા (ઉં.વ. ૩૫, સરપંચના પતિ), ૨. સુનીલભાઇ સુભાષભાઇ કટુડીયા (ઉં.વ. ૨૭, ઉપસરપંચ).
- ટ્રેપની તારીખ અને સ્થળ: ૨૧ જુલાઈ, પ્રેમવતી ભોજનાલય કમ્પાઉન્ડ, લીંબડી હાઇવે ચાર રસ્તા, લીંબડી.
- રકમની વિગત: માંગણી કરેલ રકમ રૂ. ૬,૩૦,૦૦૦ | સ્વીકારેલ અને રિકવર કરેલ રકમ રૂ. ૫,૦૦,૦૦૦.
- કારણ: ઊંટડી ગામે નક્કી કરેલી જગ્યાએથી રેતી કાઢવા દેવાના અવેજ પેટે લાંચ માંગવામાં આવી હતી.
- કામગીરી કરનાર અધિકારીઓ: સુરેન્દ્રનગર એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. પટેલ અને સ્ટાફ.
- માર્ગદર્શન અને સુપરવિઝન: રાજકોટ એકમના મદદનીશ નિયામક જે. ડી. મેવાડા અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા.
૬.૩૦ લાખની માંગણી બાદ ૫ લાખમાં સોદો નક્કી થયો, પ્રેમવતી ભોજનાલય નજીક ટ્રેપ ગોઠવી એસીબીએ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લાંચરુશવત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડીને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરવામાં આવી છે. લીંબડી તાલુકાના ઊંટડી ગામે નકકી કરેલી જગ્યાએથી રેતી કાઢવાની મંજૂરી આપવાના બહાને રૂ. ૫,૦૦,૦૦૦ ની મોટી રકમની લાંચ લેતા ઊંટડી ગામના સરપંચના પતિ અને ઉપસરપંચને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.
મળતી વિગતો અનુસાર, ફરિયાદી (જાગૃત નાગરિક) ઊંટડી ગામેથી રેતી કાઢવાનું કામ કરવા માંગતા હતા. આ માટે ઊંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ સંજયભાઇ પ્રતાપભાઇ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઇ સુભાષભાઇ કટુડીયા દ્વારા એક ટ્રક દીઠ રૂ. ૧,૦૦૦ ની લાંચની સતત ઉઘરાણી કરવામાં આવી રહી હતી. ફરિયાદીએ ટ્રક દીઠ રૂ. ૧૦૦ ગામમાં ધર્માદા તરીકે આપવાની રજૂઆત કરી હતી, પરંતુ બંને આરોપીઓએ પોતાની માંગણી ચાલુ રાખી હતી. અંતે, સરપંચના પતિ સંજયભાઇએ ઉંચક રૂ. ૬,૩૦,૦૦૦ ની લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂ. ૫,૦૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે તારીખ ૨૧ જુલાઈના રોજ લીંબડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલ પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી રૂ. ૫,૦૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા જ આરોપી સંજયભાઇને એસીબીએ ઝડપી લીધા હતા.
ત્યારબાદ, સંજયભાઇના મોબાઈલમાંથી ઉપસરપંચ સુનીલભાઇને ફોન કરાવી કન્ફર્મેશન મેળવવામાં આવ્યું હતું. થોડી જ વારમાં ઉપસરપંચ સુનીલભાઇ સ્થળ પર આવી પહોંચતા એસીબીએ તેમની પણ અટકાયત કરી હતી. ઉપસરપંચે પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી એકબીજાને મદદગારી કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબી દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦ ની રોકડ રકમ રિકવર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: મહેશભાઈ જળું
