મુખ્ય હાઇલાઇટ્સ:
- ચોટીલા વીજ કચેરીમાં ખેડૂતનું કબ્જે કરેલું વીજ મીટર પરત આપવા માટે રૂ. ૭૦ હજારની લાંચ માંગનાર હેલ્પર બીપીન પારેજીયા એસીબીના સિંકજામાં.
- વીજ ચોરીનો દંડ ન ભરવો હોય તો નાણાં ચૂકવવા પડશે તેવી ધમકી આપ્યા બાદ રકમ રૂ. ૬૦ હજાર નક્કી થઈ હતી.
- ખેડૂતે લાંચ આપવાને બદલે રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) માં ફરિયાદ નોંધાવતા ગોઠવાયું હતું સફળ છટકું.
- ચોટીલા વીજ કચેરીમાં જ ૬૦ હજારની રોકડ સ્વીકારતાં જ રાજકોટ એસીબી પીઆઈ એમ.એન.રાણાની ટીમે કરી ધરપકડ.
ખેડૂતનું વીજ મીટર પરત આપવાના નામે માંગવામાં આવી હતી લાંચ
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરીમાં જ હેલ્પર તરીકે ફરજ बजाવતો કર્મચારી રૂ. ૬૦ હજારની માતબર લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ જતાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. થોડા દિવસો પહેલાં ફરિયાદી ખેડૂતની વાડીમાં વીજ ચેકિંગ હાથ ધરીને પીજીવીસીએલના કર્મચારીઓ વીજ મીટર કબ્જે કરી કચેરીએ લઈ ગયા હતા.
વીજ ચોરીના દંડથી બચાવવા માટે ૭૦ હજારની માંગણી કરાઈ હતી
જે બાદ ફરિયાદી ખેડૂતે ચોટીલા વીજ કચેરી ખાતે જઈને પોતાનું વીજ મીટર પરત મેળવવા માટે રજૂઆત કરી હતી. તે સમયે ચોટીલા સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીના હેલ્પર અને લખતરના રહેવાસી બીપીન ભરતભાઈ પારેજીયાએ ખેડૂતને જણાવ્યું હતું કે, તમારું મીટર વીજ ચોરીમાં કબ્જે કરાયું હોય મોટો દંડ ભરવો પડશે. જો દંડ ભર્યા વિના મીટર પરત જોઈતું હોય તો રૂ. ૭૦ હજાર આપવા પડશે. ખેડૂત સાથે રકઝક બાદ આખરે રૂ. ૬૦ હજારની રકમ આપવાનું નક્કી થયું હતું.
કચેરીમાં જ ૬૦ હજાર સ્વીકારતાં જ એસીબી ત્રાટકી; ગુનો નોંધવાની કાર્યવાહી
ગેરકાયદેસર રીતે લાંચની રકમ આપવા ન માગતા જાગૃત ખેડૂતે આ અંગે તાત્કાલિક રાજકોટ એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ફરિયાદના આધારે રાજકોટ એસીબીના પીઆઈ એમ.એન.રાણા અને તેમની ટીમે ચોટીલા વીજ કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી ખેડૂત પાસેથી હેલ્પર બીપીન પારેજીયા વીજ કચેરીમાં જ રૂ. ૬૦ હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો તે જ સમયે અગાઉથી ગોઠવાયેલી એસીબીની ટીમે દરોડો પાડી તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ મામલે બીપીન પારેજીયા સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
