મુખ્ય હાઇલાઇટ્સ:
- ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ૨૩ જુલાઈથી ૨ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન વિશેષ ઝુંબેશ.
- ૪૬૯ માંથી ૧૦ પૂર અસરગ્રસ્ત ગામોના ૫૪૧ પરિવારો સુધી આરોગ્ય ટીમોએ પહોંચીને પૂરી પાડી તબીબી સારવાર.
- કુલ ૨૭૭ આરોગ્ય ટીમો દ્વારા ૧૩,૪૧,૭૪૨ નાગરિકોનું ઘરે-ઘરે જઈને હાથ ધરાયું આરોગ્ય સર્વેલન્સ.
- ઝાડા, ઉલટી, તાવ અને શરદી-ખાંસીના દર્દીઓને સ્થળ પર જ દવાઓ, સારવાર અને જરૂરી ફોલોઅપ પૂરું પાડવામાં આવ્યું.
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમોનું મોટું સર્વેલન્સ અભિયાન
વર્તમાન ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ૨૩ જુલાઈથી ૨ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સઘન આરોગ્ય સર્વેલન્સ અને નિવારણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા રચવામાં આવેલી ૨૭૭ જેટલી આરોગ્ય ટીમોએ જિલ્લાના ૪૬૯ ગામો પૈકી પૂરથી પ્રભાવિત ૧૦ ગામોના ૫૪૧ અસરગ્રસ્ત પરિવારોનો સીધો સંપર્ક કર્યો હતો અને કૂલ ૧૩,૪૧,૭૪૨ નાગરિકોનું ઘરે-ઘરે જઈને આરોગ્ય વિષયક સઘન સર્વેલન્સ હાથ ધર્યું હતું.
હજારો દર્દીઓને સ્થળ પર સારવાર આપી રોગચાળો ડામવા પ્રયાસ
સર્વેલન્સ કામગીરી દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા વિવિધ રોગોના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢીને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝાડાના ૨૦૮, ઉલટીના ૨૧, શરદી-ખાંસીના ૪,૩૬૮ તેમજ તાવના ૫૯૯ કેસ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓને સ્થળ પર જ જરૂરી દવાઓ, ડોક્ટર સેવા અને ફોલોઅપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેનાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો વકરતા અટકાવી શકાયો છે.
સુરક્ષિત પીવાના પાણી અને રોગચાળા નિવારણ માટે ખાસ પગલાં
પૂરના પાણી ઓસર્યા બાદ નાગરિકોને સુરક્ષિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા કડક નિવારક કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરિનેશન, પાણીના નમૂનાઓનું પરીક્ષણ અને જરૂરી દવાનો છંટકાવ કરીને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખીને પરિસ્થિતિ પર પૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવ્યું છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
