મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલીથી સોમનાથ (વાયા બગસરા, વિસાવદર, સાસણ) નવી સવારની એસટી બસ સેવા શરૂ કરવા હસમુખ પટેલની વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત.
- યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સુવિધા અર્થે વહેલી સવારે અમરેલીથી ઉપડતી નવી બસ શરૂ કરવા લોકમાગ.
- સોમનાથથી સાંજે ૫:૦૦ વાગ્યે પરત આવવાનું સમયપત્રક ગોઠવવા સૂચન; મુસાફરો એક જ દિવસમાં દર્શન અને કામ પતાવી પરત ફરી શકશે.
- બસ સેવા શરૂ થવાથી ગીરના પ્રવાસન ક્ષેત્ર અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોને મળશે સીધો ફાયદો, એસટી નિગમની આવકમાં પણ થશે વધારો.

સોમનાથ અને ગીર પ્રવાસન માટે નવી બસ સેવા શરૂ કરવા લેખિત રજૂઆત
અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામીણ પંથકમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ યાત્રાધામ સોમનાથ અને વિશ્વપ્રસિદ્ધ ગીરના પ્રવાસન સ્થળોએ દૈનિક ધોરણે હજારો શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે. જોકે, હાલ અમરેલીથી સવારના સમયે આ મહત્વપૂર્ણ રૂટ પર સીધી અને પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરો તથા સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ લોકપ્રશ્નના કાયમી નિરાકરણ અર્થે યુવા કેળવણીકાર હસમુખ પટેલ (“અંકુશ” જનસંપર્ક કાર્યાલય, અમરેલી) દ્વારા રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી તેમજ એસટી નિગમના વિભાગીય નિયામકને લેખિતમાં વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.
પ્રસ્તાવિત રૂટ અને સુદ્રઢ સમયપત્રકથી મુસાફરોને થશે મોટો ફાયદો
આ રજૂઆતમાં વિશેષ માંગણી કરવામાં આવી છે કે અમરેલીથી ઉપડી આ બસ બગસરા, માણેકવાડા, ભલગામ, વિસાવદર, મોણપરી (આઈ નાગબાઈ ધામ), મેંદરડા, સાસણ અને તાલાલા થઈને સોમનાથ સુધી ચલાવવામાં આવે. આ બસ અમરેલીથી સવારે વહેલી ઉપડે અને સોમનાથથી સાંજે ૫:૦૦ કલાકે પરત રવાના થાય તેવું સુદ્રઢ આયોજન ગોઠવવાની માગ કરાઈ છે. આ પ્રકારના સમયપત્રકથી સોમનાથ દર્શનાર્થે કે ધંધા-રોજગાર અને અન્ય કામકાજ અર્થે ગયેલા લોકો તે જ દિવસે સરળતાથી અને સમયસર અમરેલી પરત ફરી શકશે.
જનસુવિધા સાથે એસટી નિગમને પણ થશે આર્થિક લાભ
આ નવી બસ સેવા શરૂ થવાથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા યાત્રાળુઓ અને ગીર પ્રવાસન ક્ષેત્રે જતા પ્રવાસીઓને સીધો લાભ મળશે. સાથે જ, માર્ગમાં આવતા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સીધા જિલ્લા મથક સાથે જોડાશે. આ રૂટ પર વર્ષભર સતત ટ્રાફિક રહેતો હોવાથી મુસાફરોને ઉત્તમ પરિવહન સુવિધા મળવાની સાથે એસટી નિગમને પણ શ્રેષ્ઠ આર્થિક આવક પ્રાપ્ત થશે. જનહિત અને મુસાફરોની પ્રાથમિક સુવિધાને ધ્યાને રાખી આ પ્રસ્તાવિત રૂટ પર વહેલી તકે નવી એસટી બસ શરૂ કરવા સંબંધિત તંત્રને તાકીદે આદેશ આપવામાં આવે તેવી ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
