મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ એક વર્ષની સાદી કેદની સજા પામેલો આરોપી રાજુલા ટાઉનમાંથી ઝડપાયો.
- કોર્ટ મુદતે હાજર ન રહેતાં અને સજા વોરંટ ઇશ્યુ થતાં નાસતા-ફરતા આરોપી સામે રાજુલા પોલીસે હાથ ધરી કાર્યવાહી.
- બાતમીના આધારે રાજુલા રામરાજ્ય સોસાયટીના ૩૧ વર્ષીય યુવક સોમિલ ચૌહાણની અટકાયત.
- રાજુલા પોલીસ ઇન્સપેક્ટર વી. એમ. કોલાદરા અને સર્વેલન્સ ટીમે સજા વોરંટની બજવણી કરી આરોપીને કોર્ટ હવાલે કર્યો.
સજા વોરંટના નાસતા-ફરતા આરોપીઓને પકડવા પોલીસનું વિશેષ અભિયાન
ભાવનગર રેન્જ આઈજી આર. વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા ભરણપોષણ તેમજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જેવા કેસોમાં કોર્ટ મુદતે ગેરહાજર રહેતા અને જેમની સામે પકડ કે સજાના વોરંટ ઇશ્યુ થયા હોય તેવા આરોપીઓને શોધી કાઢી બજવણી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ જ ઝુંબેશ હેઠળ રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસે કાયદાકીય સિકંજો કસ્યો છે.
અમદાવાદ કોર્ટે ફટકારેલી એક વર્ષની સાદી કેદની સજા બાદ આરોપી ફરાર હતો
અમદાવાદ શહેરની ૨૪મી અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નંબર ૧૪૧૦૧૫/૨૦૨૩ માં આરોપીને તકસીરવાન ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટ દ્વારા સજા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હોવા છતાં આરોપી કોર્ટમાં હાજર થતો ન હતો અને ફરિયાદીની રકમ ચૂકવવામાં કસૂરવાર ઠર્યો હતો. આ કામનો નાસતો-ફરતો આરોપી રાજુલા ટાઉન વિસ્તારમાં જ હોવાની ચોક્કસ બાતમી પોલીસને સાંપડી હતી.
બાતમીના આધારે રાજુલા પોલીસે હાથ ધરી સફળ કાર્યવાહી
રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી. એમ. કોલાદરાની સૂચનાથી ટાઉન બીટના હેડ કોન્સ્ટેબલ સૂરેજભાઈ સોમાતભાઈ બાંભણીયા, ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ તુળસીભાઈ મકવાણા અને શંભુભાઈ લાભુભાઈ વાઘેલાની સંયુક્ત ટીમે બાતમી વાળા સ્થળેથી આરોપી સોમિલભાઈ સલીમભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૧, ધંધો ડ્રાઇવિંગ, રહે. રામરાજ્ય સોસાયટી, ડુંગર રોડ, રાજુલા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ ધરી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
